પુલવામા : જમ્મુ કાશ્મીરના પુલવામાં આજે વહેલી સવારે જોરદાર અથડામણ થઇ હતી. જેમાં બે કુખ્યાત ત્રાસવાદીઓ ઠાર થયા છે. જો કે આ અથડામણમાં એક જવાન પણ શહીદ થયા છે. ઠાર કરવામા આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. અથડામણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. બાતમી મળ્યા બાદ સેનાએ જોરદાર ઓપરેશન હાથ ધર્યુ હતુ. ત્રાસવાદીઓ ડોલીપોરા વિસ્તારમાં છુપાયેલા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પુલવામા ખાતે ડાલીપોરામાં જ્યારે બાતમી બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ ત્યારે ત્રાસવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવતા બે ત્રાસવાદીઓ ફુંકાઇ ગયા હતા. ગોળીબારમાં એક જવાન શહીદ થયા હતા. અથડામણની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સંચારબંધી લાગુ કરવામાં આવી હતી. ગયા સપ્તાહમાં જ શોપિયનમાં સુરક્ષા દળોએ અથડામણમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
શોપિયન વિસ્તારમાં પણ ત્રાસવાદીઓ સામે સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. હાલમાં સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવી દેવામાં આવ્યુ છે. છેલ્લા ઘણા સમયથી આ ઓપરેશન ચાલી રહ્યુ છે. જેમાં હજુ સુધી સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા છે. આ વર્ષે જ ૭૦થી વધારે ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. તેમની સામે સેના લાલ આંખ કરીને આગળ વધી રહી છે. હાલમાં ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. હવે ત્રાસવાદીઓનુ નેતૃત્વ કરવા માટે કોઇ તૈયાર નથી.