શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પુલવામાં ખાતે ત્રાસવાદીઓની સામે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટમાં સેનાને વધુ એક મોટી સફળતા હાંસલ થઇ છે. ભીષણ અથડામણમાં હવે હિજબુલ મુજાહીદ્દીનનો કુખ્યાત ત્રાસવાદી અને મોસ્ટ વોન્ટેડ કમાન્ડર જહુર ઠોકરને ઠાર કરી દેવામાં આવ્યો છે. તેની સાથે બીજા બે ત્રાસવાદીઓ પણ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ વર્ષે ૨૫૦થી વધારે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જેમાં ૧૩૨ સ્થાનિક ત્રાસવાદીઓ છે.જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે.
હજુ સુધી ૨૫૦ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. છેલ્લા આઠ વર્ષના ગાળામાં સૌથી વધુ સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ પહેલા વર્ષ ૨૦૧૦માં ૨૩૨ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયના આંકડા મુજબ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકવાદી ગતિવિધિઓમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો થયો છે. ગયા વર્ષે આતંકવાદ સંબંધિત ૩૪૨ ઘટનાઓ ઘટી હતી જ્યારે આ વર્ષે ૪૩૫થી વધારે ઘટનાઓ ઘટી છે. ગયા વર્ષે ૪૦ નાગરિકો માર્યા ગયા હતા જ્યારે આ વર્ષે ૭૭ નાગરિકો માર્યા ગયા છે. આ વર્ષે સુરક્ષા જવાનો ૮૦થી વધારે શહીદ થયા છે. ગયા વર્ષે પણ ૮૦ જવાનો શહીદ થયા હતા. ખીણમાં આ વર્ષે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. પાકિસ્તાની ત્રાસવાદીઓને ખીણમાં હજુ પણ સ્થાનિક લોકોનો ટેકો મળી રહ્યો છે. સેનાએ અથડામણની જગ્યાએ પથ્થરબાજી કરનાર લોકોને ચેતવણી આપી હોવા છતાં પથ્થરબાજા ત્રાસવાદીઓને ટેકો આપી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓનો આંકડો વધી શકે છે. હજુ વર્ષને ખતમ થવામાં ત્રણ સપ્તાહનો સમય બાકી છે. ગયા વર્ષે ૨૧૩ ત્રાસવાદીઓનો આંકડો હતો. આજે વધુ ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. હજુ આંકડો ખુબ ઉંચા સ્તર પર પહોંચી શકે છે. ૧૫મી સપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર વચ્ચે બે નાગરિકો માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીરમાં ૧૯મી જૂનના દિવસે રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે જેમાં ટોચના કમાન્ડરો સામેલ છે.
આમા લશ્કરના કમાન્ડર નવીદ જટ, જૈશના લીડર મૌલાના મસુદ અઝહરના ભત્રીજા ઉસ્માન હૈદર અને હિઝબુલ કમાન્ડર અલ્તાફ અહેમદનો સમાવેશ થાય છે. હાલના સમયમાં પણ કાશ્મીર ખીણમાં ૨૫૦થી ૩૦૦ જેટલા ત્રાસવાદીઓ છુપાયેલા છે.