જમ્મુ : પુલવામા હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા બાદ લોકો ગુસ્સામાં જાહેર માર્ગો ઉપર આવી ગયા હતા. જમ્મુમાં હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે અનેક વાહનોને ફૂંકી મારવામાં આવ્યા છે. સ્થિતિ વણસી જતાં સંચારબંધી લાગૂ કરવામાં આવી છે. ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સેનાએ પણ લોકોને સહકાર આપવા માટે અપીલ કરી છે. ગઇકાલે જમ્મુથી શ્રીનગર જતાં સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મોટી ખુવારી થઇ હતી. દેશના અન્ય ભાગોમાં પણ દેખાવોનો દોર જારી રહ્યો છે. સીઆરપીએફ કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ શકમંદ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
શંકાસ્પદ લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ બ્લાસ્ટમાં પ્રાથમિક અહેવાલ મુજબ આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પરંતુ આ બ્લાસ્ટમાં યુરિયા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતા રસાયણનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો જે વધારે ખતરનાક સંકેત આપે છે અને આમા સ્થાનિક લોકોની સંડોવણી સ્પષ્ટપણે નજરે પડે છે. યુરિયા બનાવવા માટે ઉપયોગી રસાયણ સરળતાથી ઉપલબ્ધ બને છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોની સીધી સંડોવણી આતંકવાદીઓ સાથે હોઈ શકે છે જેથી ચિંતા વધી ગી છે. ઇરાન અને ઇરાક તેમજ સિરિયામાં આ પ્રકારના વાહનોનો ઉપયોગ કરીને વિતેલા વર્ષોમાં હુમલા કરવામાં આવ્યા હતા.