નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ ભારતના કઠોર વલણથી પાકિસ્તાન ફફડી ઉઠ્યુ છે. ભારતની લાલ આંખ બાદ હવે પાકિસ્તાન દ્વારા શાંતિ સ્થાપિત કરવાની વાત કરવામાં આવી રહી છે. ભારતના કઠોર વલણ બાદ નવી દિલ્હી સાથે શાંતિ વાતચીત કરવાની વાત કરવામાં આવી રહી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ગઇકાલે નરેન્દ્ર મોદી સાથે શાંતિ મંત્રણા શરૂ કરવાની વાત કરી છે. ઇમરાન ખાને ખાતરી આપી છે કે તેઓ પોતાના વચન પર કાયમ રહેશે.
ઇમરાને એમ પણ કહ્યુ છે કે જો ભારત નક્કર માહિતી આપે છે તો તરત કાર્યવાહી કરવામાં આવશે. રાજસ્થાનમાં મોદીએ રેલીમાં પાકિસ્તાન પર પ્રહારો કર્યા બાદ આ મુજબની વાત ઇમરાને કરી છે. મોદીએ રાજસ્થાનમાં એક રેલીમાં કહ્યુ હતુ કે ત્રાસવાદની સામે સમગ્ર દુનિયામાં એકમત છે. ત્રાસવાદ સામે દોષિતોને કઠોર સજા કરવામાં આવનાર છે. અમે મજબુતી સાથે આગળ વધી રહ્યા છીએ.
મોદીએ કહ્યુ હતુ કે પાકિસ્તાન સાથે હિસાબ બરોબર કરવામાં આવનાર છે. આ બદલાયેલા ભારત છે. જે ત્રાસવાદને કચડી નાંખવા માટેના રસ્તા જાણે છે. પાકિસ્તાની વડાપ્રધાન કચેરી તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ઇમરાન પોતાના વચન પર મક્કમ છે. મોદીએ કસોટી પર યોગ્ય ઉતરવા માટે ઇમરાન ખાનને પડકાર ફેંક્યો હતો.