કોલંબો રામકથામાં પૂજ્ય મોરારી બાપુનો સંદેશ: “લંકા ભોગની ભૂમિ, પરંતુ ત્યાગ અને સંયમ જ જીવનનો વિજય માર્ગ”

Rudra
By Rudra 4 Min Read

કોલંબો : ચિત્રકૂટથી પ્રસ્થાન થયેલી પૂજ્ય મોરારી બાપુની આ રામયાત્રા કોલંબો, શ્રીલંકા ખાતે પહોંચી હતી. કથાનાં આઠમાદિવસે પૂજ્ય બાપુએ અનેક આધ્યાત્મિક અને સમકાલીન વિષયો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.

પૂજ્ય બાપુએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને જીતવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, “લંકા પછી જીતશું એની પહેલાં આપણી મહિલા ટીમ જીતી ગઈ.” તેમણે શ્રીલંકાની ભૂમિનો ઉલ્લેખ કરતા કહ્યું, “અહીંયાની સાત્વિક ઊર્જાને હું પ્રણામ કરું છું,” પરંતુ લંકાને ‘ભોગની ભૂમિ’ અને ‘ભોગ નગરી’ ગણાવી. તેમણે કહ્યું કે લંકામાં સમૃદ્ધિ હોવા છતાં રાવણની ‘વધારે વિલય’ (અત્યંત કામના) ની ઇચ્છા જ તેના વિનાશનું કારણ બની.

‘અત્યંત કામના’ ઝેર સમાન

બાપુએ ‘અત્યંત કામના’ને જીવનમાં બાધક ગણાવી. તેમણે કહ્યું કે અત્યંત કામનાથી શરીર અને બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે, જેવી રીતે તપસ્યા કરતા કરતા બુદ્ધનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. “ચોરી કરવી એ પાપ છે પણ વધારે કોઈ પણ વસ્તુ પામવી તે ઝેર સમાન છે.” તેમણે વિવેક પર ભાર મૂક્યો અને સ્વામી વિવેકાનંદ અને શારદા દેવીનો પ્રસંગ ટાંક્યો, જેમાં શારદા દેવીએ વિવેકાનંદને કહ્યું હતું કે, “તારો આ વિવેક યાત્રાને સફળ બનાવશે.” જેને પળનો વિવેક આવી ગયો તે જીતી ગયો.

હૃદયથી કથા અને વક્તાના ગુણો

રામકથાની સફળતાનું રહસ્ય જણાવતા બાપુએ કહ્યું કે, “રામકથાના ગાયકને હ્રદયથી ગાવું જોઈએ. જ્યારે હૃદયથી વાણી નીકળે છે, તે અલગ પ્રભાવ આપે છે.” તેમણે ઉમેર્યું કે તેઓ પણ હૃદયથી બોલે છે, જેથી તેમની કથા સફળ થઈ છે. વક્તાના ગુણો જણાવતા તેમણે કહ્યું કે વક્તા શંકર, ગજાનંદ અને મંગલમૂર્તિ જેવા હોવા જોઈએ, જેથી વક્તા બોલે ત્યારે શ્રોતાઓનો વિઘ્ન દૂર થાય. વક્તા પુરુષાર્થી અને પરિશ્રમી હોવો જોઈએ, પણ વિકટાનંદ કે શબ્દભોગી ન હોવો જોઈએ.

અયોધ્યા અને ચિત્રકૂટ: ત્યાગ અને યોગની ભૂમિ

બાપુએ અયોધ્યાની ભૂમિને ત્યાગની ભૂમિ ગણાવી અને કહ્યું કે રામ લલ્લાની સ્થાપના બાદ તે પાવન થઈ ગઈ છે. જ્યારે ચિત્રકૂટ યોગની ભૂમિ છે, જ્યાં ત્યાગ પણ છે. બાપુએ પોતાના સંગમાંથી છૂટવાના પાંચ કારણોનું વર્ણન કર્યું છે. સાધુઓના અંતર્મુખ રહેવાના માર્ગમાં બાધા બનતી પાંચ વસ્તુઓનો ઉલ્લેખ કરતા બાપુએ જણાવ્યું કે જેઓ નિરંતર અંતર્મુખ રહે છે, તેમના માટે આ પાંચ વસ્તુઓ બાધા બની જાય છે: દીર્ઘકાલીન વિયોગ,બીજાનો પ્રખર વિરોધ, વહેમ (શંકા), વિવાદ,આત્મસંયમ

હનુમાનજીનો લંકા પ્રવેશ અને વિભીષણ મિલન

હનુમાનજીના લંકા પ્રવેશના પ્રસંગનું વર્ણન કરતા બાપુએ કહ્યું કે કોઈ વ્યક્તિનું મૂળ રૂપ રાત્રિમાં જ દેખાય છે, તેવી જ રીતે સાધુ-સંતોની સૂક્ષ્મ સાધના રાત્રિમાં જ થાય છે. હનુમાનજીએ મચ્છરનું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને લંકા પ્રવેશ કર્યો. લંકિનીને વિરક્ત કર્યા બાદ વિભીષણ જાગી ગયા અને બંને રામભક્તોનું મિલાન થયું અને ભાતૃભાવ પેદા થયો.

રાવણનો વધ અને નીતિ

રાવણ સાથેના યુદ્ધના અંતિમ પ્રસંગોનું વર્ણન કરતા બાપુએ કહ્યું કે હનુમાનજીની પૂંછડી સળગાવવાના પ્રયાસ વખતે હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ ધારણ કરી સમગ્ર લંકા બાળી નાખી, માત્ર ‘ણ’ શબ્દવાળા ત્રણ વ્યક્તિઓના ઘર – વિભીષણ, કુંભકર્ણ અને સુષેણ – ને છોડીને.ભગવાન રામે 31 બાણ ઉઠાવીને દસ મસ્તક, વીસ ભુજાઓ અને એક નાભિમાં વાર કરીને રાવણનો વધ કર્યો. યુદ્ધ સમાપ્ત થયા પછી, પ્રભુ શ્રી રામે વિભીષણ ને રાવણના અગ્નિસંસ્કાર કરવા માટે કહ્યું અને લક્ષ્મણને અયોધ્યા તરફથી શબયાત્રામાં હાજરી આપવા કહ્યું, કારણકે દુશ્મનના મર્યા પછી દુશ્મની ખતમ થઈ જાય છે.

આ 11-દિવસીય યાત્રા શ્રીરામના વનવાસ, લંકા ગમન અને અયોધ્યા વાપસીની પવિત્ર યાત્રાને પુનર્જીવિત કરે છે. 400થી વધુ શ્રદ્ધાળુઓ આ અનોખી આધ્યાત્મિક યાત્રામાં જોડાયેલા છે, જે ભારતમાં રેલ દ્વારા પ્રારંભ થઈ હતી અને હવે હવાઈ માર્ગથી શ્રીલંકા સુધી પહોંચી છે. યાત્રાનો શુભારંભ 25 ઓક્ટોબરે ચિત્રકૂટ સ્થિત અત્રિ મુનિ આશ્રમથી થયો અને તેનું સમાપન 4 નવેમ્બરે અયોધ્યામાં થશે. યાત્રાનું સમાપન અયોધ્યામાં 4 નવેમ્બરે થશે. આ રામયાત્રા સત્ય, પ્રેમ અને કરુણાના સનાતન મૂલ્યો પર આધારિત છે અને તેનો ધ્યેય શ્રીરામચરિતમાનસના પ્રકાશને પ્રસારિત કરવાનો અને માનવતાના સંદેશને સુદૃઢ બનાવવાનો છે. આ કથા પૂજ્ય મોરારી બાપુની 60 વર્ષથી પણ વધુની આધ્યાત્મિક યાત્રાની 966મી રામકથા છે.

Share This Article