રૂદ્રપ્રયાગઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ તમામ નાગરિકોને મતદાન કરીને હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી. હાલમાં ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ચાલી રહેલા માનસ રુદ્ર સંહિતામાં પૂજ્ય બાપૂએ હ્રદયપૂર્વક આ અપીલ દરેક નાગરિકને કરી હતી. લોકશાહીના મૂલ્યો અને નાગરિકોની સહભાગીતાના મહત્વ ઉપર ભાર મૂકતાં તેમણે ભારતના પરિપક્વ લોકશાહી અને દેશભરમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા વિશે વાત કરી હતી, જે લગભગ 97 કરોડ મતદાતાઓ સાથે વિશ્વમાં સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા છે.
પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, ચૂંટણીમાં દરેક નાગરિક મત આપે તેવી હું અપીલ કરું છું. એક નાગરિક તરીકે તે આપણા હકની સાથે ફરજ પણ છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાશે. આ દિવસે મેં કોઇપણ કાર્યક્રમ રાખ્યો નથી, જેથી હું મત આપી શકું તથા લોકતંત્રના ઉત્સવમાં ભાગ લઇ શકું. મતદાન કરવું આપણી ફરજ છે અને તેનાથી આપણે દેશની પ્રગતિમાં યોગદાન આપીએ છીએ. તેમણે નાગરિકોને યાદ અપાવ્યું હતું કે દેશના ભાવિના ઘડતરમાં આપણી વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વભરમાં પ્રભુ શ્રીરામ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારમાં તેમનુ જીવન સમર્પિત કરી દીધું છે. લોકોના ધાર્મિક ઉત્કર્ષ ઉપરાંત તેઓ વિવિધ ઉમદા કાર્યો માટે લોકોમાં જાગૃતિ પણ ફેલાવે છે.