જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ ઓરિસ્સામાં સર્જાયેલા ગંભીર ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે રૂ. 1 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. પીડિતો માટે દાનનો પ્રવાહ ચાલુ રહેતા આ રકમમાં વધારો થવાની સંભાવના છે.
કોલકત્તામાં હાલ ચાલી રહેલી રામકથા દરમિયાન પૂજ્ય બાપૂએ મદદ કરવાની જાહેરાત કરી હતી.
ઉલ્લખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા પીડિતો માટે દાન સતત મળી રહ્યું છે અને અત્યાર સુધીમાં રકમ રૂ. 1 કરોડને પાર કરી ગઇ છે,તેમ પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું તથા તેમણે દાન આપનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
પૂજ્ય બાપુએ કહ્યું હતું કે, હજી ઘણાં પીડિતોની ઓળખ થઇ શકી નથી અને જ્યારે સરકાર અને રેલવે મંત્રાલય પીડિતો અને ઇજાગ્રસ્ત લોકોની યાદી જાહેર કરશે ત્યારે સહાયની રકમ તેમના ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે.
આ પહેલાં ટ્રેન અકસ્માતમાં મોતને ભેટનાર વ્યક્તિઓ પ્રત્યે શોક વ્યક્ત કરતાં બાપુએ રૂ. 50 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. જોકે, તેમના અનુયાયીઓ અને રામકથાના શ્રોતાઓએ ઉદારતાથી દાન કરતાં દાનની રકમ બમણી થઇ ગઇ છે.
ઓરિસ્સામાં બાલાસોર નજીક ત્રણ ટ્રેનના અકસ્માતમાં લગભગ 275 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં છે.
પૂજ્ય મોરારી બાપૂએ ઓરિસ્સામાં ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે રૂ. 1 કરોડનું ભંડોળ ઊભું કર્યું
