બર્મિગ્હામ : બર્મિગ્હામ ખાતે શરૂ થયેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે યજમાન ઇંગ્લેન્ડનો દેખાવ કંગાળ રહ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસે નવ વિકેટ ગુમાવીને ૨૮૫ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન કુકે સૌથી વધારે ૮૦ રન કર્યા હતા. જ્યારે બેરશો ૭૦ રન કરી આઉટ થયો હતો. ભારતીય ટીમનો દેખાવ શાનદાર રહ્યો હતો. ભારત તરફથી ધારણા પ્રમાણે જ સ્પીનર અશ્વિને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટમાં ભારતનો દેખાવ પ્રથમ દિવસે શાનદાર રહ્યો હતો.
હવે ભારતીય બેટ્સમેનો પર આધાર રહેશે. બીજી બાજુ વિરાટ કોહલીના અંતિમ ઇલેવનમાં ચેતેશ્વર પુજારા જેવા આધારભુત બેટ્સમેનને સામેલ ન કરાતા તમામને આશ્ચર્ય થયુ હતુ. સાથે સાથે કોહલીના આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે. ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં જોરદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી કરી રહી હતી. બોલિંગમાં તમામની નજર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે.
હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોને શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડમાં બન્ને ટીમો વચ્ચે કુલ ૫૭ ટેસ્ટ મેચો રમાઇ છે. જે પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચો જીતી છે. આવી જ રીતે ઇંગ્લેન્ડે ૩૦ ટેસ્ટ મેચો જીતી છે. જે સાબિત કરે છે કે આંકડાની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડની ટીમ કેટલી આગળ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડમાં રમાયેલી ૫૭ ટેસ્ટ મેચો પૈકી ૨૧ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. આવી જ રીતે ઓવર ઓલ દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧૧૭ ટેસ્ટ મેચો રમાઇ છે. જે પૈકી ભારતે ૨૫ ટેસ્ટ મેચો જીતી છે.
આવી જ રીતે ઇંગ્લેન્ડે ૪૩ ટેસ્ટ મેચો જીતી છે. બન્ને દેશો વચ્ચે કુલ ૪૯ ટેસ્ટ મેચો ડ્રો જાહેર કરવામાં આવી છે. કેટલીક એવી ટેસ્ટ શ્રેણી રહી છે ત્યારે ભારતીય ટીમનો દેખાવ જોરદાર દેખાવ રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં એલિસ્ટર કુકના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમે પાંચ ટેસ્ટ મેચોની પટોડી ટ્રોફી ૩-૧થી જીતી લીધી હતી. મોટા ભાગે ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ છેલ્લા કેટલાક પ્રસંગોએ ઇંગ્લેન્ડની ટીમનો સામનો કરી શકી નથી. વર્ષ ૨૦૦૭માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં શ્રેણી ૧-૦થી જીતી જવામાં સફળ થઇ ગઇ હતી.