કેરળના મલપ્પુરમની પાંડિકકડ ગ્રામ પંચાયતનો રહેવાસી નઝીમ અને તેના કેટલાક મિત્રોએ સ્થાનિક ધારાસભ્ય પસાર થઈ રહ્યા હતા ત્યારે પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તાના ખાડાઓમાં ભરેલા પાણીથી સ્નાન કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં નઝીમ એક ખાડામાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મંજેરીના ધારાસભ્ય યુએ લતીફ આ ખાડાઓમાંથી પસાર થઈ રહ્યા હતા. આ યુવાનોનું વિરોધ પ્રદર્શન જોતાની સાથે જ ધારાસભ્ય તેમની સાથે વાત કરવા માટે કારમાંથી નીચે ઉતર્યા હતા. પણ નઝીમે વાત કરવાની ના પાડી દીધી હતી. પોતાનો વિરોધ નોંધાવવા માટે નઝીમ ધારાસભ્યની સામે યોગાસનમાં ઊભો રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયોમાં જોવા મળતા વિરોધ પ્રદર્શનના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. આ અનોખા વિરોધ અંગે નઝીમે કહ્યું કે, જનતા અને સંબંધિત અધિકારીઓ જોઈ શકે તે માટે તેમનો ઉદ્દેશ વિરોધ પ્રદર્શન કરવાનો હતો. તેના ગ્રુપમાંથી ૧૦ જેટલા લોકોએ મલપ્પુરમના જુદા જુદા ભાગોમાં આવા જ વિરોધ પ્રદર્શનની યોજના બનાવી હતી. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી રસ્તાઓની હાલત કફોડી છે.
વરસાદને કારણે ખરાબ રસ્તાઓની હાલત ખૂબ દયનીય બની ગઈ છે કેરળ હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને રાજ્યના તમામ રસ્તાઓ પર એક સપ્તાહની અંદર મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ જિલ્લા કલેક્ટરોને રસ્તાઓ પરના ખાડાઓ માટે જવાબદાર ઇજનેરો અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, રસ્તાઓની સ્થિતિ સુધારવા સંબંધિત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓના વડા તરીકે જિલ્લા કલેક્ટરોની પણ જવાબદારી છે. ન્યાયાધીશ દેવન રામચંદ્રને પૂછ્યું કે શું અધિકારીઓ કાર્યવાહી કરવા માટે કોઈના મોતની રાહ જોઈ રહ્યા છે? ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, કલેક્ટરો મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે.વરસાદની સિઝન શરૂ થતાં જ રોડ-રસ્તાના નિર્માણમાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી ખુલી જાય છે. અનેક સ્થળોએ ખાડા પડે છે, તો ક્યાંક ભુવા પડતા હોવાના કિસ્સા પણ નોંધાય છે.
આવી પારાવાર મુશ્કેલીના કારણે લોકો તંત્ર પર રોષ વ્યક્ત કરતા હોય છે. પણ દર વર્ષે સ્થિતિ સરખી જ હોય છે. ત્યારે આ વખતે ખાડાના ત્રાસના કારણે કંટાળેલા યુવાનોએ તંત્રની આંખ ઉઘાડવા માટે કંઈક અનોખો વિરોધ નોંધાવ્યો છે.