અમદાવાદ : નવી-મુંબઇમાં મુખ્યાલય ધરાવતી પાવર સોલ્યુશન પ્રોડક્ટ કંપની પ્રોસ્ટારમ ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે મૂડીબજાર નિયામક સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવ્યાંની જાહેરાત કરી છે. કંપનીના ઇશ્યૂમાં પ્રતિશેર રૂ. 10ની મૂળ કિંમતના 1,60,00,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જે બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થશે. ચોઇસ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ લીડ મેનેજર અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે. ડીઆરએચપી મૂજબ કંપની આઇપીઓ દ્વારા પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા, કેટલાંક ઋણના પ્રીપેમેન્ટ અથવા રિપેમેન્ટ માટે, ઇનઓર્ગેનિક વૃદ્ધિની તકોને હાંસલ કરવા, વ્યૂહાત્મક પહેલો તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.
વર્ષ 2008માં સ્થાપિત અને થાણેમાં મુખ્ય મથક ધરાવતી કંપની મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે. આ ઉપરાંત ભારતમાં 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 22 બ્રાન્ચ અને 2 સ્ટોરેજ સુવિધાઓનું નેટવર્ક ધરાવે છે. કંપનીના ઉત્પાદન એકમો ISO 9001:2015, ISO14001:2015, ISO 45001:2018 અને ISO 50001:2018 ધોરણો સાથે માન્યતા પ્રાપ્ત છે. કંપની પ્રોસ્ટારમ બ્રાન્ડ હેઠળ અનેક પાવર સોલ્યુશન ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે, જેમ કે યુપીએસ સિસ્ટમ્સ, ઇન્વર્ટર સિસ્ટમ્સ, લિફ્ટ ઇન્વર્ટર સિસ્ટમ્સ, સોલર હાઇબ્રિડ ઇન્વર્ટર સિસ્ટમ્સ, લિથિયમ-આયન બેટરી પેક્સ, સર્વો-નિયંત્રિત વોલ્ટેજ સ્ટેબિલાઇઝર્સ અને આઇસોલેશન ટ્રાન્સફોર્મર્સ. તે ઇપીસી ધોરણે રૂફટોપ સોલર ફોટોવોલ્ટેઇક પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ્સ તેમજ એએમસી પણ હાથ ધરે છે.