અમદાવાદ : સુરતના પાલ ગામે સુયોજન આર્ગેનાઇઝરની જમીનના કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, કોઇપણ મનાઇહુકમ વિના મિલકતના પૂરા ભોગવટાના અધિકારથી અરજદારને વંચિત રાખી શકાય નહી. જસ્ટિસ અકીલ કુરેશીએ સુયોજન ઓર્ગેનાઇઝરના ભાગીદારની નવી શરતમાંથી જૂની શરતમાં જમીન તબદિલ કરવા અંગે કરાયેલી અરજી પરત્વે કાયદાનુસાર નિર્ણય કરવા સુરત કલેકટરને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ૨૦૧૧થી આજદિન સુધી સિવિલ કોર્ટ કે રેવન્યુ ઓથોરીટી દ્વારા કોઇપણ પ્રકારનો મનાઇહુકમ ફરમાવાયો નથી ત્યારે જા કલેકટરનો હુકમ સ્વીકારાય તો, કોઇપણ જાતના મનાઇહુકમ વિના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ સામે દેખીતો સ્ટે ગણાઇ જાય.
તેથી સિવિલ કોર્ટના કોઇપણ મનાઇહુકમ વિના મિલકતના પૂરા ભોગવટાના અધિકારથી અરજદારને વંચિત રાખી શકાય નહી. જા નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા અંગેની અરજી વિચારણામાં લેવામાં વિલંબ થાય તો, અરજદારને પ્રીમીયમની રકમનું ભારણ વધે તેવી અરજદારની દલીલ સાચી ઠરે છે. આ સંજાગોમાં સુરત કલેકટરે અરજદારની નવી શરતમાંથી જૂની શરતમાં જમીન તબદિલ કરવા અંગેની અરજી પર કાયદાનુસાર નિર્ણય કરવો. હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અરજદાર પોતાના ખર્ચે અને પેન્ડીંગ કાનૂની પ્રક્રિયાને આધીન અરજી ચલાવવા સ્વતંત્ર છે. જા અરજી સત્તાવાળા દ્વારા મંજૂર થાય તો અરજદાર સિવિલ કોર્ટમાં બાંધકામ કરતાં પહેલા જાણ કરવાની રહેશે. કલેકટરે અરજીની વિચારણા તા.૧-૧૨-૨૦૧૮ પછી કરવાની રહેશે કે જેથી પક્ષકારોને જરૂરી અરજીઓ ચલાવવાનો સમયગાળો મળી શકે. સુયોજન ઓર્ગેનાઇઝરના ભાગીદાર અજય રિધ્ધિશંકર જાષી તરફથી કરાયેલી રિટ અરજીમાં સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સુરતના પાલ ગામે સર્વે નંબર ૨૨૮/૧ અને ૨ની અરજદારોએ ખરીદેલી સંબંધિત જમીન નવી શરતમાંથી જૂની શરતમાં તબદિલ કરવાની અરજી સુરતના ડેપ્યુટી કલેકટર દ્વારા રેવન્યુ એન્ટ્રીની તકરાર પેન્ડીંગ હોવાના કારણસર નામંજૂર કરી હતી. વાસ્તવિકતા એ છે કે, મૂળ માલિકોએ જમીનના વેચાણ અંગે રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યું હતું.
બાદમાં સિવિલ કોર્ટમાં બાનાખતના અમલ માટે સમાધાન થયું અને પૈસા લઇને મૂળ માલિકોએ અરજદારપક્ષની તરફેણમાં પાવર ઓફ એટર્ની લખી આપ્યું હતું. બાદમાં ખેતીના હેતુ માટે જમીન જૂની શરતમાં ફરી ગઇ હતી. જેને મૂળ માલિકોએ ચેલેન્જ કરી ન હતી. આ દરમ્યાન મૂળ માલિકો પૈકીના શાંતિલાલ મંછારામની પત્ની અને બે પુત્રોએ જમીનની તકરાર ઉભી કરી દાવો દાખલ કર્યો અને સમાધાનથી હુકમનામું મેળવ્યું કે, આ જમીનમાં તેમનો પણ હક છે પરંતુ નીચલી કોર્ટમાં અરજદાર પક્ષકાર જ ન હતા. બીજીબાજુ, પાવર ઓફ એટર્નીના આધારે ઉપરોકત જમીનના વેચાણ દસ્તાવેજ થઇ ગયા હતા અને તેની એન્ટ્રી પણ રેવન્યુ રેકર્ડમાં થઇ ગઇ હતી. જેની સામે મૂળ માલિકોએ વાંધો લીધો, જે પ્રોસીડીંગ્સ પેન્ડીંગ છે. અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ કોર્ટનું ધ્યાન દોર્યું કે, કલેકટર સત્તાધીશોએ અરજદારની નવી શરતમાંથી જૂની શરતમાં જમીન તબિદલ કરવાની અરજી ખોટી રીતે નામંજૂર કરી છે કારણ કે, કોઇપણ સક્ષમ કોર્ટના મનાઇહુકમ કે પ્રતિબંધ વિના સત્તાધીશો અરજી નામંજૂર કરી શકે નહી. એટલું જ નહી, કોઇપણ મનાઇહુકમ વિના જમીનનો વિકાસ પણ અટકાવી શકાય નહી. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી ઉપરમુજબ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.