અમદાવાદ : દરમ્યાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તા.૧૮મી એપ્રિલે ગુજરાત મુલાકાત દરમ્યાન સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ અને અંબાજીમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. પ્રિયંકા ગાંધીનો સોમનાથ કે અંબાજીમાં રોડ શો પણ યોજવામાં આવે તેવી પણ સંભાવના છે. પ્રિયંકા ગુજરાતમાં ત્રણ જેટલી સભાઓ સંબોધે તેવી શક્યતા છે. આ વખતની લોકસભા ૨૦૧૯ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે કાંટે કી ટક્કર જેવી હોઇ બંને પક્ષે સ્ટાર પ્રચારકો પણ પ્રચારના મેદાનમાં ઉતારાયા છે. જે આગામી દિવસોમાં ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભાજપના કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ અને સ્મૃતિ ઈરાની ગુજરાત આવશે. આ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જાહેર સભા સંબોધશે. આ સાથે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ગુજરાતના પ્રવાસે છે. તો, ભાજપમાંથી હમણાં જ કોંગ્રેસમાં ગયેલાં શત્રુધ્નસિંહા ભાજપ છોડયા બાદ સૌ પ્રથમ વખત ગુજરાતમાં સભા સંબોધશે. આ સાથે પંજાબના મંત્રી નવજોત સિદ્ધુ સહિતના દિગ્ગજા જાહેર સભાઓ સંબોધશે. સ્ટાર પ્રચારકોને લઇને પણ ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.