દેશની રાજનીતિમાં ઉત્તરપ્રદેશ સૌથી મહત્વપૂર્ણ છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની ભૂમિકા હમેંશા નિર્ણાયક રહે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ઉત્તરપ્રદેશમાં જે પાર્ટી વિજેતા થાય છે તે જ પાર્ટી કેન્દ્રમાં સરકાર બનાવી લેવામાં સફળ રહે છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણમાં પણ આ જ સ્થિતી રહેલ છે. જેથી અહીં જીત મેળવી લેવા માટે તમામ પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી છે. ચૂંટણીમાં આ વખતે ભાજપ માટે રસ્તો એટલો સરળ નથી. કારણ કે ભાજપની સામે સૌથી મોટી સમસ્યા આ વખતે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એક સાથે આવવાથી થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં બે સૌથી મોટા ક્ષેત્રીય પક્ષો એક સાથે આવતા ભાજપની સામે મોટી આફત આવી ગઇ છે. કારણ કે બંને પાર્ટી ભાજપને પરાજિત કરવાની યોજના ધરાવે છે.
બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ છેલ્લા નિર્ણાયક સમયમાં માસ્ટરસ્ટ્રોક રમીને પ્રિયંકા વાઢેરાને ઉત્તરપ્રદેશમાં મેદાનમાં ઉતારી દીધા છે. રાહુલે પ્રિયંકા વાઢેરાને મોટી જવાબદારી યુપીમાં સોંપી દીધી છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણી ઉત્તરપ્રદેશમાં સૌથી પડકારરૂપ અને રોમાંચક બનનાર છે. પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરી જવાથી સ્થિતી વધારે બદલાઇ રહી છે. નવા સમીકરણના સંકેતો દેખાઇ રહ્યા છે. પ્રિયંકા મેદાનમાં આવવાથી કોંગ્રેસની સ્થિતી મજબુત બની શકે છે. જેથી હવે ભાજપ, કોંગ્રેસ અને બસપ-સપા વચ્ચે સીધી સ્પર્ધા છે. એંકદરે જોવામાં આવે તો લોકસભાની ૮૦ સીટો પર તમામ રાજકીય પક્ષોની નજર છે. આ વખતે સમાજવાદી પાર્ટી અને બસપ તમામ સીટો પર સાથે મળીને લડનાર છે. કોંગ્રેસ કેટલાક નાના પક્ષોની સાથે મળીને મેદાનમાં ઉતરનાર છે. ભાજપ પોતાના સાથીઓની સાથે મળીને ફરી એકવાર વિરોધીઓને પછડાટ આપવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. ભાજપ ફરી એકવાર પોતાના સાથી પક્ષોની સાથે મતભેદોને દુર કરીને મેદાનમાં ઉતરનાર છે.
ભાજપના સાથી પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યોગી સરકારમાં કેબિનેટ પ્રધાન ઓમપ્રકાશ રાજભર ભલે યુપી સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે. જો કે તેઓ ભાજપની સાથે જ રહેનાર છે. ભાજપના વધુ એક સાથી પક્ષ અપના દળ પણ પાર્ટીની સાથે રહેનાર છે. વર્ષ ૨૦૧૪માં પણ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને અપના દળના લોકો સાથે રહ્યા હતા. અપના દળને બે સીટો મળી હતી. ભાજપ પણ પોતાના સાથી પક્ષોને નારાજ કરવા માટે તૈયાર નથી. ભાજપના લોકો પણ સારી રીતે જાણે છે કે જા પાર્ટી નારાજ રહેશે તો નુકસાન તેને જ થનાર છે. આવી સ્થિતીમાં ભાજપ તેના સાથી પક્ષોની સાથે રહીને મેદાનમાં ઉતરવા માટે ઇચ્છુક છે. સાથી પક્ષોની જે પણ ફરિયાદો છે તેને સાથે મળીને દુર કરવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. આ વખતે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ભાજપ માટે ખુબ મુશ્કેલ છે. ભાજપને જો કોઇ પાર્ટી ટક્કર આપી શકે છે તો તે સપા-બસપા ગઠબંધન છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીમા પ્રિયંકા વાઢેરાની એન્ટ્રી થવાના કારણે તેની સ્થિતી પણ મજબુત બની શકે છે. ભાજપના નેતા ભલે એવા મોટા મોટા દાવા કરે કે કોંગ્રેસ પાર્ટીમાં પ્રિયંકા વાઢેરા ગાંધીની એન્ટ્રી થવાથ તેને કોઇ નુકસાન થશે નહીં પરંતુ તેની પરેશાની વધે તે બાબત તો નક્કી છે.
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ હવે પોતાના દમ પર મેદાનમાં ઉતરી રહી છે. પ્રિયંકા વાઢેરાની કોંગ્રેસ પાર્ટીમાં એન્ટ્રી થઇ ગઇ છે. તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ વખતે કોંગ્રેસને ઉમેદવાર શોધી કાઢવામાં પણ વધારે તકલીફ રહેશે નહીં. પ્રિયંકા વાઢેરા ઉત્તરપ્રદેશમાં વિતેલા વર્ષોમાં પણ પ્રચાર કરતા રહ્યા છે. પ્રિયંકા વાઢેરાએ છેલ્લી ચૂંટણીમાં રાયબરેલી અને અમેઠી વિસ્તારમાં પ્રચારની જવાબદારી સંભાળી હતી. જો કે હવે તેમની સામે પણ પડકારો વધારે છે.કારણ કે તેમની પાસે પણ પૂર્વીય ઉત્તરપ્રદેશમાં પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટેની મોટી જવાબદારી છે. કારણકે કોંગ્રેસ પાર્ટી ભાજપ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવી મોટી પાર્ટી વચ્ચે ખુબ ખરાબ હાલતમાં છે. પાર્ટીમાં નવેસરથી ધ્યાન આપવાની જરૂર છે. ઉત્તરપ્રદેશમાં રાજકીય દેખાવ પર તમામ પાર્ટી તમામ તાકાત લગાવી દેનાર છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ કામે લાગી ગયા છે.