અમેઠી: પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના મહાસચિવ બનાવવામાં આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જાહેરાત થતાંની સાથે જ કોંગ્રેસી કાર્યકરોમાં ખુશી જાવા મળી હતી. લખનૌમાં પ્રિયંકાને માં દુર્ગાના અવતાર તરીકે દર્શાવીને પોસ્ટર જારી કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ પોસ્ટરોમાં ઇન્દિરા ઇઝ બેક પણ લખવામાં આવ્યું છે. આજે બપોરે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના પ્રભારી નિમવામાં આવ્યા બાદ આ અંગેની જાહેરાત કરી હતી. આ આદેશ બાદ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં જારદાર આતશબાજી કરવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકરોએ પોસ્ટરો છપાવીને આસપાસના વિસ્તારોમાં મુક્યા હતા. આ પોસ્ટરોમાં રાહુલ ગાંધીનો પણ આભાર માનવામાં આવ્યો હતો.
ભ્રષ્ટાચારરુપી રાક્ષસોનો વિનાશ કરવા માતા દુર્ગાના અવતાર તરીકે પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશનો પ્રભાર સોંપવા બદલ રાહુલ ગાંધીનો આભાર માનવામાં આવ્યો હતો. આ પોસ્ટરને કોંગ્રેસના નેતા રાહુલ અવસ્થી અને કેડી દિક્ષીત દ્વારા છપાવાયા છે. બંને પોસ્ટરને લઇને કોંગ્રેસ કાર્યાલય પહોંચેલા અને રાહુલ ગાંધીના આ નિર્ણયની પ્રશંસા કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધી અને ત્યાર પછી પ્રિયંકા ગાંધીના ફોટા મુકવામાં આવ્યા છે. સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના મોટા નિર્ણય તરીકે આને ગણવામાં આવે છે. અલબત્ત આ નિર્ણયના પરિણામ સ્વરુપે ભારતીય જનતા પાર્ટીને આંશિક રાહત થઇ છે.
કારણ કે, આનાથી મતવિભાજન થવાની શક્યતા છે. ખાસ કરીને મુસ્લિમ મતો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિભાજિત થઇ શકે છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને લાભ થાય તેમ પૂર્વીય ઉત્તરપ્રદેશના રાજકીય પંડિતો માની રહ્યા છે પરંતુ કોંગ્રેસના કાર્યકરોમાં ચોક્કસપણે ઉત્સાહ દેખાઈ રહ્યો છે