હરિયાણા ભાજપના પૂર્વનેતા અને કરણીસેનાના મહામંત્રી સૂરજપાલ અમ્મુએ પ્રિયંકા ચોપરાને પોતાના નિશાના પર લીધી છે. અમ્મુએ આ પહેલા ફિલ્મ પદ્માવતને લઇને દિપીકા પાદુકોણ અને સંજય લીલા ભણસાલીને ધમકી આપી હતી. વિવાદનું મૂળ કારણ પ્રિયંકા ચોપરાનો અમેરીકી શો ક્વોન્ટિકો-ધ બ્લડ ઓફ રોમિયો છે. આ શોમાં એક હિંદુને આતંકવાદી બતાવવામાં આવ્યો છે. અમ્મુએ આ વાત પર સોશિયલ મિડીયા પર પ્રિયંકા ચોપરાને આડે હાથ લીધી છે.
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સંગઠનના મહામંત્રી અમ્મુએ પ્રિયંકા ચોપરા પર દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતુ કે, ભારતીય ફિલ્મો દ્વારા આખા વિશ્વમાં ઓળખ પામનારી પ્રિયંકા ચોપરા એક પૂર્વ સૈનિકની પુત્રી હોવા પર પણ શંકા છે. તેના ડી.એન.એની તપાસ કરવાથી જ ખબર પડશે.
ક્વોંટિકો શોના ડિરેક્ટરે માફી માંગતા જણાવ્યું છે કે, આમાં પ્રિયંકાનો કોઇ હાથ નથી. તેમ છતાં સૂરજપાલજીનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. તે કહે છે કે ભગવા વસ્ત્ર વાળા હિંદુઓ તમને શું આતંકવાદી દેખાય છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રિયંકાએ ભારતમાંથી રૂપિયા કમાવ્યા છે, મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. એટલી કીર્તિ કમાઇ છે કે દુનિયાએ તેને માથે બેસાડી છે. ભારત સરકાર તેને પુરસ્કાર દ્વારા સન્માનિત કરે છે, તેમ છતાં તે વિદેશ જઇને ભારત અને હિંદુઓને નીચુ દેખાડવાનું કામ કરે છે.