‘આયુષ્યમાન’ વીમા યોજનાના પેકેજ ભાવથી ખાનગી હોસ્પિટલો ખફા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડાપ્રધાન મોદીની તાજેતરમાં જાહેર થયેલી મહત્વાકાંક્ષી  વીમા યોજના ‘આયુષ્યમાન’ ભારત સ્કીમ હેઠળ જે ભાવપત્રક આપવામાં આવ્યું છે તેમાં ફેરફાર કરવા માટે ભારતની ટોચની પાંચ ખાનગી હોસ્પિટલ્સે વિનંતી કરી છે. તેમની દલીલ છે કે, વર્તમાન ભાવે દર્દીઓને ગુણવત્તાસભર સારવાર આપવી અશક્ય છે.

આ પાંચેય હોસ્પિટલ્સે ઇકોનોમિક ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નીતિ આયોગે મે મહિનામાં પેકેજ ખર્ચની જાહેરાત કરતાં પહેલાં હોસ્પિટલ્સનો મત પણ જાણવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગે 23 સારવાર માટેના 1,354 પેકેજના ભાવની વિગતવાર યાદી જાહેર કરી હતી.

આયુષ્યમાન ભારત સ્કીમનું બ્રાન્ડિંગ ‘મોદી કેર’ તરીકે કરવામાં આવ્યું હતું. આ સ્કીમ દ્વારા ભાજપ સરકાર 10.74 કરોડ લોકોને વીમો આપે તેવી ધારણા છે, જેથી તે વિશ્વની સૌથી મોટી વીમા યોજના છે. આ સ્કીમથી ગરીબી રેખા હેઠળ જીવતા 10 કરોડ ભારતીયોના પરિવારને ₹5 લાખનું વીમા કવચ પૂરું પાડવાની યોજના છે. આ સ્કીમમાં હોસ્પિટલાઇઝેશન અને સારવારનો ખર્ચ તેમજ સેકન્ડરી અને મેડિકલ તથા સર્જિકલ સારવારનો ખર્ચ આવરી લેવામાં આવે છે. સરકારે જણાવ્યું હતું કે, બીમારીની જટિલતાના આધારે પ્રોસિડર ખર્ચ ₹1,000થી લઈને ₹1 લાખની રેન્જમાં હોય છે.

Share This Article