હવે યુવા પૃથ્વી શો ડોપિંગમાં ફસાયો : આઠ માસ સસ્પેન્ડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : યુવા ક્રિકેટર પૃથ્વી શોને ડોપિંગના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આની સાથે જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા આઠ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આનો મતલબ એ થયો કે, પૃથ્વી ૧૫મી નવેમ્બર ૨૦૧૯ સુધી ક્રિકેટથી દૂર રહેશે. હકીકતમાં આઠ મહિનાનો ગાળો માર્ચ ૨૦૧૯થી ગણવામાં આવશે. વેસ્ટઇન્ડિઝની સામે ૨૦૧૮માં બે ટેસ્ટ મેચ રમનાર ૧૯ વર્ષીય પૃથ્વી શો રિપોર્ટ મુજબ હાલ સારવાર હેઠળ હતો. બીસીસીઆઈના કહેવા મુજબ સઇદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટ દરમિયાન ડોપિંગ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. ટર્બુટેલાઈન નામની દવા લેવાના મામલામાં તે દોષિત જાહેર થયો છે.

પૃથ્વી શો ઉપરાંત અન્ય બે સ્થાનિક ખેલાડી વિદર્ભના અક્ષય દુલારવર અને રાજસ્થાનના દિવ્ય ગજરાજને પણ દોષિત ગણવામાં આવ્યા છે. બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું છે કે, પૃથ્વી શો ડમ્પિંગમાં પકડાઈ ગયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અજાણતા પ્રતિબંધિત દવાનો ઉપયોગ કર્યો હતો. સામાન્યરીતે આ દવા ખાસીની દવામાં હોય છે. પૃથ્વી શોને આઠ મહિના માટે સસ્પેન્ડ કરાયો છે. આનો મતલબ એ થયો કે તે હવે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં.

પૃથ્વી શોએ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ ૨૩મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે વેસ્ટઇન્ડિઝની સામે હૈદરાબાદમાં રમી હતી. તે ભારત માટે બે ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. તેના નામ ઉપર એક સદી અને એક અડધી સદી રહેલી છે. બે ટેસ્ટ મેચમાં પૃથ્વી શોએ સારી પ્રતિષ્ઠા મેળવી હતી અને તેની ગણતરી એક ઉભરતા સ્ટાર સાથે થઇ રહી હતી. ભાવિ સચિન તેંડુલકર તરીકે પણ તેને ગણવામાં આવી રહ્યો હતો પરંતુ ટેસ્ટ ટીમમાં હતો ત્યારે જ તે ઇજાગ્રસ્ત થયો હતો અને હાલમાં સારવાર હેઠળ હતો. આ ગાળામાં તે ડોપિંગમાં ફસાઈ ગયો છે.

Share This Article