નવી દિલ્હી : સતત બીજી અવધિમાં દેશના વડાપ્રધાન તરીકે શપથ લેતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિવસની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધી પર જઇને નમન કરવા સાથે કરી હતી. ત્યારબાદ મોદી અટલ બિહારી વાજપેયીની સમાધી પર પહોંચ્યા હતા. જ્યારે તેઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે પણ પહોંચ્યા હતા. જ્યાં મોદીએ શહીદ જવાનોને નમન કર્યુ હતુ. વડાપ્રધાન સૌથી પહેલા રાજઘાટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેઓ વાજપેયીની સમાધિ સદેવ અટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ ગાળા દરમિયાન તેમની સાથે ભાજપ પ્રમુખ અમિત શાહ, જેપી નડ્ડા, પિયુશ ગોયલ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, ગિરિરાજ સિંહ પણ હતા. મોદીએ આ વર્ષે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે વોર મેમોરિયલનુ ઉદ્ઘાટન કર્યુ હતુ.
મોદીએ સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં એકલા ભાજપને ૩૦૩ સીટો મળી છે. જ્યારે એનડીએને ૩૫૩ સીટો મળી છે. વર્ષ ૨૦૧૪માં ભાજપને ૨૮૨ સીટો મળી હતી. મોદી આજે સાંજે દેશના વડાપ્રધાન તરીકે શપથ લેનાર છે. શપથગ્રહણ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં યોજવામાં આવશે. ેનો ઉપયોગ રાજ્યના પ્રમુખો અને દેશના શાસનાધ્યક્ષોના સ્વાગત માટે ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાન પદના શપથ દરબાર હોલની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં યોજવામાં આવશે. દરબાર હોલમાં માત્ર ૫૦૦૦ લોકોના સમારોહ યોજી શકાય છે. સૌથી પહેલા ચંદ્રશેખરે ૧૯૯૦માં બહારી પ્રાંગણમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
૨૦૧૪માં વડાપ્રધાનના શપથગ્રહણમાં સાર્ક દેશોના પ્રમુખ ઉપરાંત ૪૦૦૦ મહેમાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ૧૪ દેશોના પ્રમુખ જોડાયા હતા. મોદીની શપથવિધીની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હતી. નવી કેબિનેટમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે સાંજે સાત વાગે મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય કેટલાક સભ્યો પણ મંત્રી તરીકે શપથ લેનાર છે. જો કે આ સંબંધમાં વિગત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
રાષ્ટ્રપિત રામનાથ કોવિન્દ આજે સાંજે સાંત વાગે મોદી અને અન્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવનાર છે.કેબિનેટમાં ભાજપ પ્રમુખ અમિત શાહને સામેલ કરવાની વાત ચાલી રહી છે. શપથગ્રહણ કાર્યક્રમમાં બિમસ્ટેક દેશોના રાષ્ટ્ર વડાઓ સહિત આઠ દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. બિમસ્ટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના સાત દેશો સામેલ છે જે બંગાળની ખાડી સાથે જોડાયેલા છે. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભુટાનનો સમાવેશ થાય છે. શપથવિધીનવે લઇને ભારે ઉત્સુકતા છે.