પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૨ જૂને અમેરિકાના સત્તાવાર રાજકીય યાત્રા પર જશે. યાત્રા દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ પીએમ મોદીની યજમાની કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે યાત્રા દરમિયાન પીએમ મોદીની યજમાની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેન દ્વારા વ્હાઇટ હાઉસમાં કરવામાં આવશે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ યાત્રા ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે રણનીતિક ભાગીદારીના વધતા મહત્વને રેખાંકિત કરશે. બંને દેશ પહેલાથી જ દરેક ક્ષેત્રમાં સહયોગ કરી રહ્યાં છે. ભારત સિવાય વ્હાઇટ હાઉસે પણ આ સંદર્ભમાં નિવેદન જારી કર્યું છે. તે પ્રમાણે રાષ્ટ્રપતિ જો બાઇડેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ૨૨ જૂને થનારી અમેરિકાની સત્તાવાર યાત્રા દરમિયાન તેમની યજમાની કરશે. વ્હાઇટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું કે પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં રાજકીય રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કે. જીન પિયરેએ એક નિવેદનમાં આ યાત્રાની જાહેરાત કરી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘આગામી યાત્રા ભારત તથા અમેરિકા વચ્ચે ગાઢ તથા નજીકની ભાગીદારીને આગળ વધારશે સાથે અમેરિકનો અને ભારતીયોને જોડનાર ગર્મજોશી ભરેલા સંબંધોને પણ મજબૂત કરશે.’ પ્રેસ સચિવે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીની યાત્રા બંને દેશના સ્વતંત્ર, મુક્ત, સમૃદ્ધ તથા સુરક્ષિત હિંદ-પ્રશાંત ક્ષેત્રની સંયુક્ત પ્રતિબદ્ધતા તથા રક્ષા, સ્વચ્છ ઉર્જા તથા અંતરિક્ષ વગેરેમાં સંયુક્ત ટેક્નોલોજી ભાગીદારી વધારવાના સંકલ્પને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે બંને નેતા શિક્ષણના ક્ષેત્ર તથા લોકો વચ્ચે સંબંધોને આગળ વધારવાના પાસા પર પણ ચર્ચા કરશે.