રન ફોર ન્યુ ઇન્ડિયામાં હજ્જારો સુરતીઓ દોડયા,
આખુ સુરત દોડમય બન્યું
સુરતઃ સુરતીઓએ નવા જોમ-જુસ્સા સાથે નવા ભારતના નિર્માણ માટે રાહ બતાવી છે. આવા કાર્યક્રમો ચેરીટી માટે કે સામાજિક કાર્ય માટે થતા હોય છે, પરંતુ ૨૦૨૨ માં આઝાદીના ૭પ વર્ષ પુર્ણ થવાના અવસરે આઝાદીના દિવાનાઓએ સપના જોયા હતા, તે પુરા કરવા નવા ભારતના નિર્માણમાં સુરતે પહેલ કરી છે.’ આ શબ્દો સુરત ખાતે લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ ખાતે આયોજિત ‘રન ફોર ન્યુ ઇન્ડિયા’ નાઈટ મેરેથોનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉચ્ચાર્યા હતા. તેઓએ કહ્યુ કે દેશ કે રાજયની સરકાર, રાજનેતાથી નથી બનતો પણ દેશ બને છે, જનતા જર્નાદનની શકિતથી. એકબીજાના સહકારથી આપણી આગળ વધીશું દુનિયામાં કોઇની તાકાત નથી કે ભારતના સુદઢ રાષ્ટ્રના નિર્માણમાં બાધા નાખી શકે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરતને ન્યુ ઇન્ડિયાના નિર્માણમાં ભાગીદાર બનવા સુરતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મેરેથોન સમાજશકિતને જાડીને ન્યુ ઇન્ડિયાના નિર્માણમાં સુરત ધબકતુ રહે એ માટેની દૌડ છે. જેમાં આબાલ, વૃધ્ધ, દિવ્યાંગો, યુવાનો સૌ જાડાયા છે. સુરત વિકાસ માટે દોડયું છે. દેશ-ગુજરાતની નવી પેઢી, સુદઢ, સમૃધ્ધ બને એવી શુભકામના મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
‘રન ફોર ન્યુ ઇન્ડિયા’ નાઈટ મેરેથોનની સાથે સાથે:
- લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ૭.૦૦ વાગ્યા સુધીમાં ખીચોખીચ ભરાઈ ગયું હતું. વડાપ્રધાનશ્રીનું આગમન થતા જ ઉપસ્થિત જનમેદની અને દોડના સ્પર્ધકોએ તેમનું હર્ષની ચિચિયારીઓ સાથે જોશભેર સ્વાગત કર્યું હતું.
- વડાપ્રધાનના હસ્તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવીને ભારતનું નામ રોશન કરનારાઓ સદિપકુમાર, પ્રિતિ, પુજા નાડકર્ણી, અનીલ માંડલેવાલા, નૈનેષ વાંકાવાલાનું સન્માન કરાયું હતું.
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૮.૦૦ કલાકે નાઈટ મેરેથોનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
- સ્ટેડીયમમાં કેસરીયા અને લાલ સાફામાં સજ્જ થઈ વિશાળ તિરંગા સાથે હજારો યુવતીઓએ પ્રસ્થાન કર્યુ હતું.
- વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સૂરતીલાલાઓને ૨૧મી જુન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વના સામૂહિક યોગના તમામ રેકોર્ડ તોડીને નવા કિર્તીમાન સ્થાપિત કરવાની હાકલ કરી હતી. ૩૧મી ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાતી રન ફોર યુનિટી મેરેથોન દોડમાં સૂરતીલાલાઓ દોડીને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરે તેવી અભિલાષા વડાપ્રધાનએ વ્યકત કરી હતી.
- વડાપ્રધાન સંબોધન દરમિયાન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સુરતીલાલાઓએ સતત “મોદી… મોદીના નારાથી સ્ટેડિયમ ગજવ્યું હતું.
- વડાપ્રધાનના ગેટઅપ અને વેશભુષામાં સજ્જ થઈ સુરતના નાનકડા બાળક રાજવી પરેશભાઈ ધામેચાએ સૌનું ધ્યાન ખેચ્યું હતુ.
- મેરેથોનના નિર્ધારિત સમય ૭.૦૦ વાગ્યાનો હતો, પરંતુ એ પહેલા ૪.૦૦ વાગ્યાથી જ સ્પર્ધકો અને દર્શકોનું સ્થળ પર આગમન શરૂ થઇ ગયું હતું.
- સમગ્ર શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. ઠેકઠેકાણે લાઈટીંગ, ડેકોરેશન અને ભવ્ય રોશનીથી મેરેથોનનો રૂટ ઝળાહળા થઇ ગયો હતો.
- મેરેથોનમાં યુવાઓ, મહિલાઓ, આબાલ-વૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહપૂર્વક દોડયા હતા.
- મેરેથોન માટે જ ખાસ તૈયાર કરાયેલી ઓપન બસ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
- મેરેથોનના રૂટ પર વિવિધ આકર્ષક પેઈન્ટીંગ બનાવવામાં આવ્યા હતા. ઝીબ્રા ક્રોસિંગને રંગબેરંગી કલર વડે આકર્ષક બનાવાયા હતા.
- શહેરના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ-સર્કલને પણ એલ.ઈ.ડી.લાઇટિંગથી શણગારવામાં આવ્યા હતા.
- મેરેથોન રૂટ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સામાજિક સંદેશ આપતા આકર્ષક બેનરો-કટ આઉટ અને થીમવાળા પેવેલિયન ઉભા કરવામાં આવ્યા હતા.
- ઉપસ્થિત સ્પર્ધકો સોશ્યલ મીડિયામાં વોટ્સ એપ, ફેસબુક અને ઈંસ્ટાગ્રામમાં પોતાની અનોખી તસ્વીર પોસ્ટ કરી શકાય તે માટે આયોજકો દ્વારા તૈયાર કરાયેલ ડિજિટલ બોર્ડ અને સેલ્ફી પોઈન્ટ પર મિત્રવર્તુળ સાથે સેલ્ફી ખેંચવા પડાપડી કરી રહ્યા હતા.
- રૂટ પર મોદી સરકારની ૧૨ મહત્વાકાંક્ષી યોજનાઓની આકર્ષક ઝાંખીઓ પણ ઉભી કરવામાં આવી હતી.
- દિલ્હીના પ્રખ્યાત મૂંગફલી બેન્ડના કલાકારો રોક મ્યુઝિક પરફોર્મન્સ જનમેદનીએ મનમેદનીને ડોલાવી હતી. કેટલાક સ્પર્ધકો ગ્રુપમાં ડાંસ કરીને સંગીતની ધૂનો પર થીરકી રહ્યા હતા.
- પોલિસ વિભાગ અને આયોજકો દ્વારા વડાપ્રધાનની હાજરીને લઈને ચુસ્ત અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
- વડાપ્રધાન મેરેથોનને ફલેગ ઓફ આપીને રવાના થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પર્ધકોનું અભિવાદન ઝીલ્યું હતું.