વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી

Rudra
By Rudra 1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.

ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન કાર્તિકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન આઈ.પી.ગૌતમ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article