વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જીલ બિડેનને ૭.૫ કેરેટનો ગ્રીન હીરો ભેટમાં આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ૭૫ વર્ષની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય સંબંધોને દર્શાવવા માટે યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઇડનને ૭.૫ કેરેટનો હીરો ભેટમાં આપ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે વડાપ્રધાન દ્વારા અપાયેલો આ હીરો સુરતમાં તૈયાર થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બે મહિનાની મહેનતે તૈયાર થયેલા આ હીરાને વડાપ્રધાને અમેરિકાના ફર્સ્ટ લેડીને આપતાં સુરતના ઉદ્યોગકારો દ્વારા ખુશી વ્યક્ત કરવાની સાથે સુરત માટે આ ગર્વની બાબત ગણાવી હતી.કટિંગ એજ ટેકનોલોજીથી તૈયાર થયેલા આ હીરાને લઇને સાંસદ દર્શના જરદોષે ટ્વીટ કર્યુ છે. તેમણે PM ની આ ભેટ પ્રયોગશાળામાં બનેલા હીરાના ક્ષેત્રમાં ભારતની અદ્યતન ટેકનોલોજીનું પ્રતીક ગણાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલો હીરો સુરતના ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. લેબગ્રોન હીરાને બનાવતા ૨ મહિના જેવો સમય લાગ્યો હોવાનું કહેતા સ્મિત પટેલે કહ્યું કે, સુરતમાં જ તેનું પોલિસિંગ કામ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સુરતના હીરાને અમેરિકાના ફર્સ્ટ લેડીને આ હીરો આપ્યો તે અમારા માટે ગર્વની બાબત છે. ન માત્ર અમારા માટે પણ આ ઉદ્યોગ અને શહેર માટે પણ ગર્વની બાબત છે.હીરો બનાવનાર ગ્રીન લેબના સ્મિત પટેલે જણાવ્યું હતું કે, આ આપણા દેશનો આર્ત્મનિભરતાનો મેસેજ આપે છે. આઝાદીને ૭૫ વર્ષ થયા હોવાથી ૭.૫ કેરેટનો હીરો બનાવવામાં આવ્યો છે. સંપૂર્ણ સોલાર આધારિત ટેક્નોલોજીથી પર્યાવરણને નુકસાન કર્યા વગર સીવીડી ટેક્નોલોજીતી લેબમાં બનાવવામાં આવ્યો છે. ખાણમાંથી નીકળતા હીરા જેવો જ છે. પ્રકૃતિને કોઈ નુકસાન આ હીરાના ઉત્પાદનથી થયું નથી.દેશમાં લેબગ્રોન ડાયમંડ ઈન્ડ્સ્ટ્રીઝ લાખો લોકોને રોજગારી આપવા માટે સક્ષમ છે. ત્યારે આર્ત્મનિભર ભારતના સ્વપ્ન સેવી વડાપ્રધાન મોદી દ્વારા આ હીરો આપીને ભારતની જ્વેલરીને વૈશ્વિક ફલક પર દર્શાવવામાં આવી છે. લેબગ્રોન ડાયમંડનું માર્કેટ બહુ મોટું છે. ત્યારે આ ટેક્નોલોજીથી બનેલો હીરો આપીને વડાપ્રધાને આ ઉદ્યોગને વેગ આપ્યો હોવાનું ઉદ્યોગકારોનું માનવું છે.