અમદાવાદમાં જૈન દેરાસરમાં 1.64 કરોડના ચાંદીની ચોરી, પ્રેમીકાને લીલા લેર કરાવવા પૂજારીએ કર્યો કાંડ, આ રીતે આપ્યો ચોરીને અંજામ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: શહેરના પાલડીના શાંતિવનમાં શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ દેરાસરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પૂજારીએ સફાઈકર્મીની મદદથી ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ દેરાસરના પૂજારૂમમાંથી અને લોકરવાળા ભોંયરામાંથી ચાંદીના પૂંઠિયા, ચાંદીના મુગટ, કુંડળ અને આંગી મળીને કુલ 117 કિલો ચાંદીની ચોરી કરી છે. આ આરોપીઓએ બે વર્ષમાં ધીરે ધીરે ચાંદીના દાગીના સહિતની વસ્તુઓની ચોરી કરીને એક સપ્તાહ પહેલાં જ ભાગી ગયા હતા. દેરાસરમાં થયેલી 1.64 કરોડની મતાની ચોરી મામલે પાલડી પોલીસે ગુનો નોંધ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસે મળીને પૂજારી મેહુલ રાઠોડ અને દંપતીની એમ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પાલડીમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘનું દેરાસરમાં થોડા દિવસ પહેલાં સંઘના સેક્રેટરી સહિતના લોકોને ભગવાનને ચઢાવવામાં આવતી આંગી લોકરવાળા ભોંયરામાંથી મળી નહોતી. જેથી દેરાસર અને તેની પાછળના પૂજા રૂમોમાં પણ શોધખોળ કરી હતી. છતાં ભગવાનની બંને આંગી, મુગટ અને કુંડળ મળી આવ્યા નહોતા. ત્યાર બાદ આ અંગેની જાણ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જે બાદ આ લોકોને દેરાસરમાંથી ચોરી થયાની આશંકા જતાં અન્ય વસ્તુઓની પણ તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ચાંદીની આંગી, મુગટ, કુંડળ, પૂંઠિયું સહિતની ચાંદીની અન્ય વસ્તુઓની પણ ચોરી થયાનું ખુલ્યું હતું. કુલ 117 કિલો ચાંદી જેની અંદાજિત બજાર કિંમત 1.64 કરોડની છે જેની ચોરી થતાં આ મામલે પાલડી પોલીસને જાણ કરાઈ હતી. આ તપાસમાં પૂજારી અને સફાઈકર્મી દંપતી સહિત ત્રણ લોકો ગાયબ હતા તેવું સામે આવ્યું હતું.

ગુજરાતી સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, પૂજારી મેહુલ રાઠોડે પોતાની મોજશોખ અને પ્રેમિકાને ખુશ કરવા માટે આ ચોરી કરી હતી. આ સાથે આરોપીઓએ બે વર્ષથી હાલ સુધીમાં ધીરે ધીરે ચાંદીની વસ્તુઓ ચોરી કરીને ભેગી કરી હતી. પૂજારી મેહુલને ખબર હતી કે, દેરાસરમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. જેથી જો ચોરી કરશે તો તે ઝડપાઈ જશે. જેથી મેહુલે આઠ ઓક્ટોબરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઈન સ્વીચ બંધ કરી હતી. બાદમાં કેટલાક કલાકો બાદ સ્વીચ ચાલુ કરીને તે ભાગી ગયો હતો. આરોપીએ આ સમયગાળામાં જ ચોરીનો માલ એકઠો કરીને ભાગ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.

Share This Article