નવી દિલ્હી : નવા વર્ષમાં કન્ઝ્યુમર ડ્યુરેબલની કિંમતો વધી શકે છે. સરકાર દ્વારા આયાત કરવામાં આવતા એર કન્ડીશનર, રેફ્રીજરેટર, વોશિંગ મશીન ઉપર આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી હતી પરંતુ તહેવારની સિઝનના કારણે ગ્રાહકો ઉપર આ ચીજાનો બોજ ઝીંકવામાં આવ્યો ન હતો પરંતુ હવે કંપનીઓ વધી ગયેલા ખર્ચને પહોંચી વળવા ગ્રાહકો ઉપર આનો બોજ ઝીંકી શકે છે. આનાથી સ્થાનિક બજારમાં બનેલી પેદાશો પર ત્રણથી ચાર ટકા અને આયાત કરવામાં આવતી પેદાશો ઉપર ૫-૭ ટકા સુધી કિંમત વધવાના સંકેત દેખાઈ રહ્યા છે.
નવા વર્ષમાં કન્ઝ્યુમર ડ્યુરેબલની ચીજવસ્તુઓ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે પરંતુ એવો ભય પણ છે કે, ઇનપુટ કોસ્ટમાં વધારો અને આયાત ડ્યુટીમાં વધારો થવાના પરિણામ સ્વરુપે જે બોજ આવશે તેને કંપનીઓ પરત લેવા માટે તૈયાર નથી. ગ્રાહકો ઉપર બોજ ઝીંકવામાં આવ્યા બાદ કિંમતોમાં વધારો થઇ શકે છે.
છેલ્લા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકારે આયાત કરવામાં આવતા એરકન્ડીશનર, રેફ્રીજરેટર અને વોશિંગ મશીન પર આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી હતી પરંતુ એ વખતે તહેવારની સિઝનને ધ્યાનમાં લઇને કંપનીઓ દ્વારા આમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ હવે આમા વધારો કરવાની તૈયારી કરવામાં આવી છે. પેનાસોનિક ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના અધ્યક્ષ મનિષ શર્માનું કહેવું છે કે, ડોલર સામે રૂપિયાની કિંમતમાં ઘટાડા, પરિસ્થિતિમાં અનિશ્ચિતતા અને ખર્ચમાં વધારો થવાના લીધે કિંમતો ઉપર સીધીરીતે અસર થશે. વેચાણ ઉપર પણ અસર થશે.