સુરત:- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ મેના રોજ સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિશ્રી સવારે ૧૧.૦૦ કલાકે કન્વેન્શન હોલ, સરસાણા ખાતે ડોનેટ લાઇફ દ્વારા આયોજિત બ્રેનડેડ દર્દીઓના અંગદાતા પરિવારના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ૧૨.૦૦ કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ ૩.૧૫ વાગ્યે અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ ખાતે એસ.આર.કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંતોકબા માનવરત્ન એવોર્ડ સમારોહમાં હાજરી આપશે.
અંગદાન ક્ષેત્રે કાર્ય કરતી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા છેલ્લા વર્ષમાં કેડેવર ઓર્ગન ડોનરના પરિવારજનો કે જેમણે પોતાના બ્રેનડેડ સ્વજનોના અંગોનું દાન કરી કિડની, લિવર, પેન્ક્રિયાસ અને હ્રદય નિષ્ફળતાવાળા દર્દીઓને નવજીવન આપનારા ૩૨ પરિવારોનું ૨૯મીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારોહ ૨૯મીએ સવારે ૧૧:૧૦ વાગ્યે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે. જેમાં અંગદાતા પરિવારોની સાથે આ સેવા કાર્યમાં હંમેશા સહયોગ આપનાર તબીબો, હોસ્પિટલો, સુરત શહેર પોલિસ, સુરત મહાનગર પાલિકા, સુરત એરપોર્ટ ઓથોરીટીને પણ સન્માનિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીઝીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC) અમદાવાદમાં જે કેડેવરીક કિડની અને લિવરના ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમાં ૪૫% થી વધુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના ફાળે જાય છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સતત લોકોને અંગદાન પ્રત્યે જાગૃત કરી તેમજ અંગદાન માટે પ્રેરિત કરીને અત્યાર સુધી ૨૪૯ કિડની, ૧૦૧ લિવર, ૬ પેન્ક્રિયાસ, ૧૭ હૃદય અને ૨૧૨ ચક્ષુઓનું દાન મેળવી ૫૮૨ વ્યક્તિઓને નવું જીવન અને રોશની બક્ષવામાં સફળતા મળી છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના ગવર્નર ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સૂરત ખાતે આગામી ૨૯મીએ બપોરે ૧૨.૦૦ વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯માં વાર્ષિક પદવીદાન સમારોહમાં પદવી ધારકોને પદવી એનાયત કરશે.
દ.ગુ. યુનિવર્સિટીના ૪૯માં પદવીદાન સમારોહમાં પી.એચ.ડી.ના ૧૦૯ તથા એમ.ફીલના ૧૬૧ પદવી એનાયત થશે. જયારે વિનયન વિદ્યા શાખામાં ૮૭૭૬, વિજ્ઞાન વિદ્યાશાખામાં ૫૦૬૫, કાયદામાં ૧૨૮૧, મેડિકલમાં ૫૪૨, કોમર્સમાં ૮૧૮૮, શિક્ષણ વિદ્યાશાખામાં ૧૩૯૫ વિદ્યાર્થીઓ, કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ૨૬૩૨ એમ જુદી જુદી ૧૨ વિદ્યાશાખાના મળી કુલ ૨૮,૭૬૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.