મુંબઇ: હિન્દી ફિલ્મી પ્રેમીઓ માટે ચોંકાવનારા સમાચાર છે. કારણ કે કપુર પરિવારે લોકપ્રિય અને ઐતિહાસિક આરકે સ્ટુડિયોને વેચી દેવાનો નિર્ણય કર્યો છે. ૭૦ વર્ષ પહેલા બનેલા આ ઐતિહાસિક સ્ટુડિયોમાં ગયા વર્ષે ભીષણ આગ લાગી ગઇ હતી. જેના કારણે તેના એક મોટા હિસ્સાને નુકસાન થયુ હતુ. કપુર પરિવારના લોકોને હવે લાગે છે કે આર્થિક દ્રષ્ટિથી રિનોવેશન કરાવવાની બાબત યોગ્ય નથી. શૌ મેન રાજકપુરે વર્ષ ૧૯૪૮માં મુંબઇના ઉપનગરીય ક્ષેત્રમાં ચેમ્બુરમાં આની સ્થાપના કરી હતી. રાજકપુરની કેટલીક અમર ફિલ્મોનુ નિર્માણ આ સ્ટુડિયોમાં કરવામાં આવ્યુ હતુ.
પરિવાર તરફથી હવે રિશિ કપુરે કહ્યુ છે કે આ નિર્ણયને લઇને તેઓ ખુબ ઇમોશનલ છે. રિશિ કપુરે કહ્યુ છે કે અમે આને લઇને ખુબ અટેચ છીએ. પરંતુ આવનાર પેઢીને લઇને કોઇ વાત કરી શકાય નહી. રિશીએ કહ્યુ હતુ કે છાતી પર પથ્થર મુકીને સ્ટુડિયો વેચવાનો નિર્ણય કરી રહ્યા છીએ. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા વર્ષે ૧૬મી સપ્ટેમ્બરના દિવસે સ્ટુડિયોમાં સુપર ડાન્સરના સેટ પર ભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે ગ્રાઉન્ડ ફ્લોરને ભારે નુકસાન થયુ હતુ. જો કે આગની ઘટનામાં કોઇને નુકસાન થયુ ન હતુ. શરૂઆતમાં રિશિ કપુરે સ્ટુડિયોને ફરી તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આધુનિક ટેકનોલોજી સાથે તેને ફરી તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે આ નિર્ણય બદલી દેવામનાં આવ્યો છે. રિશી કપુરે ઇચ્છા વ્યક્ત કરી હોવા છતાં મોટા ભાઇ રણધીર કપુરે રિનોવેશનને લઇને ઇન્કાર કર્યો હતો.
રણધીર કપુરે કહ્યુ છે કે અમે ચોક્કસપણે આરકે સ્ટુડિયો વેચી દેવાનો નિર્ણય કરી ચુક્યા છીએ. આ સ્ટુડિયો વેચાણ માટે ઉપલબ્ધ છે. તેમનુ કહેવુ છે કે સ્ટુડિયોમાં ભીષણ આગ ફાટી નિકળ્યા બાદ આને ફરી બનાવવા માટેની તૈયારી યોગ્ય ન હતી. આર કે બેનરના હેઠળ બનેલી ફિલ્મોમાં આગ, બરસાત, આવારા, શ્રી ૪૨૦, જિસ દેશ મે ગંગા બહેતી હૈ, મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુન્દરમ, રામ તેરી ગંગા મેળી ફિલ્મોનો સમાવેશ થાય છે. આર કે બેનર હેઠળ છેલ્લી ફિલ્મ આ અબ લોટ ચલે બનાવવામાં આવી હતી. જેને રિશિ કપુરે નિર્દેશિત કરી હતી.
મહાન અભિનેતા રાજકપુરનુ ૧૯૮૮માં નિધન થયુ હતુ. ત્યારબાદ શરૂઆતના વર્ષોમાં રણધીર કપુરે સ્ટુડિયોની જવાબદારી સંભાળી લીધી હતી. મોડેથી રાજકુપરના સૌથી નાના પુત્ર રાજીવ કપુરે પ્રેમગ્રથ નામની ફિલ્મનુ નિર્દેશન કર્યુ હતુ. જો કે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. રાજકપુરને બોલિવુડમાં શોમેન તરીકે ઓળખવામાં આવે છે. તેમની તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા હાંસલ કરતી હતી. બોલિવુડના હજુ સુધીના સૌથી મહાન અભિનેતા પૈકી એક તરીકે તેમને ગણી શકાય છે.