અમદાવાદ: બંધન સેલિબ્રેશન્સ (અમેરિકા) અને હિતેશ ઈનોવેટિવ સોલ્યુશન્સ પ્રા. લિ.ના સંયુક્ત ઉપક્રમે અમેરિકામાં ન્યુ જર્સી ખાતેઆગામી તા.૨૨ અને ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ વિશેષ પ્રકારે બંધન વેડિંગ એક્સ્પોનું આયોજન કરાયું છે. બંધન સેલિબ્રેશન્સ(અમેરિકા)ના ગોવિંદભાઈ પટેલ અને હિતેશ ઠક્કરે આ મહત્વપૂર્ણ એક્સ્પો વિશે જણાવ્યું હતું કે, અમેરિકાના ગુજરાતી સમુદાય અને ભારતના લોકોની લગ્નવિષયક વિવિધ જરૂરિયાતો અને લગ્નપ્રસંગને યાદગાર બનાવવાના ઉમળકાને સહયોગ આપવાના હેતુથી અમેરિકાની ભૂમિ પર આ અનોખ લગ્ન વિષયક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાના ન્યુ જર્સી ખાતે યોજાનારા આ બે દિવસીય પ્રદર્શનમાં લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલા વિવિધ એકમો જેવા કે, વસ્ત્ર પરિધાન, જ્વેલરી, ઘરેણાં, પાર્ટી- પ્લોટ્સ, ગીત-સંગીત, બ્યુટીક, મહેંદી-ટેટૂ આર્ટીસ્ટ, ફલાવર્સ આર્ટીસ્ટ, ડેકોરેટર્સ, કેરર્ટસ, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, પરંપરાગત વસ્ત્રો, બ્રાઈડલ-વેર અને કોસ્ટમેટિક્સ, કંકોતરી-કાર્ડ, હેન્ડીક્રાફટ્સ, વગેરે તેમાં ભાગ લઈ રહ્યા છે. અમેરિકામાં વસતા આશરે ૧૭થી ૧૮ લાખ ગુજરાતીઓ આજે પણ લગ્નવિષયક બાબતમાં ગુજરાત સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.
ન્યુ જર્સીમાં વસતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ પટેલનું વિઝન અને મિશન છે કે લગ્ન અંગેની અમેરિકા અને ગુજરાતની વિવિધ એજન્સીઓનું સંયોજન થાય, તેઓ એકબીજાની નજીક આવે અને સાથે મળીને ગુજરાતીઓનાં, અમેરિકા કે ગુજરાતની ભૂમિ પર યોજાતાં લગ્નોને યાદગાર બનાવે. આ પ્રદર્શનની ભારત ખાતેની જવાબદારીનું વહન કરી રહેલા હિતેશ ઠક્કર ઈન્ટરનેશન લોહાણા સંસ્થાના સ્થાપક છે અને આ પહેલાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એનઆરઆઈનું સંમેલન બોલાવી ચૂક્યા છે. આ ઉપક્રમને ગ્લોબલ ગુજરાતી ફેડરેશનનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે. આ લગ્ન વિષયક પ્રદર્શન ગુજરાતથી લઇ અમેરિકા સુધી લોકોમાં ખાસ પ્રકારનું આકર્ષણ ઉભુ કરશે એમ બંધન સેલિબ્રેશન્સ(અમેરિકા)ના ગોવિંદભાઇ પટેલ અને હિતેશ ઠક્કરે ઉમેર્યું હતું.