MBBS નો નવો અભ્યાસક્રમ ૨૦૧૯-૨૦થી અમલી કરવા તૈયારી, આગામી મહિને લોન્ચ થવાની શક્યતા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ) દ્વારા હવે આગામી સપ્ટેમ્બર માસમાં એમબીબીએસ માટેનો નવો અભ્યાસક્રમ લોન્ચ કરાય તેવી શકયતા છે. નવા અભ્યાસક્રમને લઇ એમબીબીએસના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા અને ઉત્કંઠા જાગી છે. જો કે, એમબીબીએસનો આ નવો અભ્યાસક્રમ આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦થી અમલી બનશે, જેમાં મહત્વની વાત એ છે કે એમબીબીએસના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતથી જ હોસ્પિટલમાં પ્રેકટીકલ અનુભવ લેવાની તક મળશે.

એમબીબીએસનો અભ્યાસક્રમ ર૧ વર્ષના લાંબા સમયગાળા બાદ બદલાઇ રહ્યો છે. નવા અભ્યાસક્રમમાં ઘણાં ચેપ્ટર કાઢી નાખવામાં આવ્યાં છે તો છેલ્લાં ર૧ વર્ષના સમયગાળા દરમ્યાન નવી બીમારીઓ તેમજ લેટેસ્ટ સારવાર પદ્ધતિની બાબતોને કોર્સમાં સમાવી લેવાશે. સૌથી મહત્વની વાત એ છે કે એમબીબીએસના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસના સમયગાળા દરમ્યાન ત્રીજા વર્ષથી હોસ્પિટલમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકતા હતા. હવે નવા અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓ પહેલા વર્ષથી જ હોસ્પિટલમાં પ્રેક્ટિસ એટલે કે અનુભવ મેળવી શકશે. નવા અભ્યાસક્રમના અમલીકરણ પહેલાં એમસીઆઇ પ્રોફેસરને પણ તે અંગેની ટ્રેનિંગ આપશે.

જાન્યુઆરી માસમાં આગામી શૈક્ષણિક વર્ષથી અભ્યાસક્રમમાં બદલાવ કરવાની મંજૂરી એમસીઆઇએ આપી દીધી હતી. એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યા પછી વિદ્યાર્થી જ્યારે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે ત્યારે તે તમામ પ્રકારની નવી બીમારીઓનો ઇલાજ કરી શકે તેવા હેતુથી નવા ફેરફાર સાથેનાં ચેપ્ટર નવા અભ્યાસક્રમમાં સામેલ કરાયાં છે. આગામી વર્ષથી વિદ્યાર્થીઓને સ્પેશિયલાઇઝેશનના વિષય પણ ભણાવાશે.

નવા અભ્યાસક્રમમાં ડોક્ટરની પ્રેક્ટિસ પર વધુ ભાર મુકાયો છે. તેથી પહેલા વર્ષથી જ પ્રેકટીકલ તાલીમ અપાશે. ૭૪ નિષ્ણાતોની સમિતિઓનાં સૂચનોનો અમલ કરીને નવો અભ્યાસક્રમ બનાવાયો છે અને તે મુજબ એમબીબીએસનો અભ્યાસ ૪.પ નહીં, ૪.૭ વર્ષનો રહેશે. સત્રના પ્રથમ બે માસમાં ફાઉન્ડેશન કોર્સ પર ભાર મુકાશે. દરેક સેમેસ્ટરમાં વધુ એક-એક ચેપ્ટર ઉમેરાયાં છે. એમબીબીએસ ડોક્ટર તરીકે પ્રેકટીકલ કરવા માગતા તમામ વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો થયા બાદ ગ્રામીણ વિસ્તારમાં ફરજિયાત એક વર્ષ સેવા આપવી પડશે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય રીતે તબીબો સેવા આપવાનું ટાળતા હોય છે અને શહેરી વિસ્તારોમાં જ તબીબી કાર્ય ચાલુ રાખવાનો આગ્રહ રાખતા હોય છે, જેની સીધી અસર ગ્રામ્ય વિસ્તારમાં અને ત્યાંની પ્રજાને વેઠવી પડતી હોય છે, સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં એક વર્ષની ફરજિયાત સેવા આપવાની જોગવાઇ લાગુ કરાઇ છે.

Share This Article