ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા ૧૧મી ડિસેમ્બરના દિવસે શ્રીહરિકોટા ખાતેથી પીએસએલવી-સી૪૮ રોકેટની મદદથી રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ રિસેટ-૨બીઆર૧ને લોંચ કરવામાં આવશે. આના માટેની તમામ તૈયારીઓ ઇસરો તરફથી કરી લેવામાં આવી છે. દેશની અંતરિક્ષ જાસુસી ક્ષમતાને વધારી દેવાના હેતુસર આ લોંચની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આની સાથે સાથે નવ વિદેશી સેટેલાઇટને પણ લોંચ કરવામાં આવનાર છે. પીએસએલવી-સી૪૮ દ્વારા નવ કોમર્શિયલ સેટેલાઇટને લોંચ કરાશે જે પૈકી અમેરિકાના છ, ઇઝરાયેલના એક, ઇટાલીના એક, જાપાનના એક ઉપગ્રહને છોડવામાં આવશે. શ્રીહરિકોટા સ્પેશ પોર્ટ ખાતેથી આ લોંચ પ્રક્રિયા હાથ ધરાશે. પીએસએલવીના ૫૦માં મિશનને લઇને છેલ્લા કેટલાક દિવસથી જોરદાર તૈયારી શ્રીહરિકોટા ખાતે ચાલી રહી છે. ઇસરો ચારથી પાંચ એડવાન્સ રિસેટ સિરિઝના સેટેલાઇટ પણ લોંચ કરવાની યોજના ધરાવે છે જે પૈકી એક લોંચ પ્રક્રિયા ૨૨મી મેના દિવસે હાથ ધરાશે. રિસેટ-૨બીઆર૧ બાદ ત્રીજા ઉપગ્રહને પણ લોંચ કરવામાં આવશે. જ્યારે બીજા ઉપગ્રહને આ મહિનાના અંત સુધી લોંચ કરવામાં આવનાર છે.
અંતરિક્ષમાં ચાર રિસેટ સેટેલાઇટ સુરક્ષા દળોને પણ દરરોજના આધાર પર ખાસ જગ્યા પર ધ્યાન રાખવા મદદરુપ થશે. રિસેટ સેટેલાઇટની સમગ્ર શ્રેણી ખુબ જ અસરકારક રહેશે. આનાથી રાત્રિ ગાળામાં પણ અથવા તો વાદળછાયા માહોલમાં પણ જગ્યાને સારીરીતે જોઈ શકાશે. ૨૪ કલાક સુધી સરહદ પર નજર રાખવામાં મદદ મળશે. ઘુસણખોરીને રોકવામાં મદદ મળશે. સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર ચાંપતી નજર રાખી શકાશે. રિસેટની જુની આવૃત્તિના ફોટાઓનો ઉપયોગ ૨૦૧૬માં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી લોંચ પેડ પર સર્જિકલ હુમલા કરવા માટે કરવામાં આવ્યો હતો.
હવે આતંકવાદી ગતિવિધિ પર વધારે મજબૂતરીતે નજર રાખી શકાશે. સેટેલાઇટમાં ખુબ જ શક્તિશાળી કેમેરાઓ રાખવામાં આવ્યા છે. રિસેટ-૨બીઆર૧નું વજન ૬૨૮ કિલોગ્રામ છે અને તેની અવધિ પાંચ વર્ષની છે. જાસુસીની ક્ષમતા ઉપરાંત આ ઉપગ્રહ તમામ હવામાનની સ્થિતિમાં કામ લાગશે. કૃષિ, વન્ય વિસ્તાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ તેના સ્પષ્ટ ફોટાઓ ઉપયોગી બની રહેશે. ઇસરો દ્વારા છેલ્લા કેટલાક સમયથી પોતાની વિશ્વસનીયતા વિશ્વમાં પુરવાર કરવામાં આવી ચુકી છે.