નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનું બજેટ રજૂ કરવા જઇ રહી છે. સરકારે સંકેત આપ્યા છે કે, આ બજેટને સંપૂર્ણ બજેટ તરીકે રજૂ કરવામાં આવનાર છે. જો કે, આ બજેટમાં લેવામાં આવનાર પગલાને લઇને નવી ચર્ચા છેડાઈ ગઈ છે. આ બજેટમાં શ્રેણીબદ્ધ ટેક્સ રાહતો અને સાથે સાથે ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર કાઢવાના વિવિધ પગલા જાહેર થઇ શકે છે. નરેન્દ્ર મોદી સરકાર સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ બજેટ વર્તમાન અવધિમાં રજૂ કરવા જઈ રહી છે. આ બજેટમાં બીજી ઇનિંગ્સમાં આવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. વોટ ઓન એકાઉન્ટ કરતા વચગાળાનું બજેટ વિશેષ રહે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. અગાઉના નાણામંત્રીઓ પ્રણવ મુખર્જી અને પી ચિદમ્બરમ દ્વારા પણ જે દાખલા બેસાડવામાં આવ્યા હતા તે દાખલા મુજબ જ વર્તમાન સરકાર પણ આગળ વધી શકે છે.
પ્રણવ અને ચિદમ્બરમે પણ તેમના બજેટના ભાગરુપે ટેક્સ પગલાઓ રજૂ કરવાથી ખચકાટ અનુભવ કર્યો ન હતો. વર્તમાન સરકાર દ્વારા આ છઠ્ઠુ બજેટ રજૂ કરવામાં આવનાર છે જેમાં મધ્ય વર્ગ માટે ટેક્સ રાહતો જાહેર કરાશે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની તકલીફો દૂર કરવા ઉપર ધ્યાન અપાશે. નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચુકેલા પીયુષ ગોયેલ માટે અનેક પડકારો રહેલા છે. ઇન્કમ ટ્રાન્સફર સહિત જુદા જુદા વિકલ્પ સાથે કૃષિ પેકેજ ઉપર વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત વધુ ઉદાર લઘુત્તમ સમર્થન મૂલ્ય સ્કીમ જાહેર થઇ શકે છે. ઉપરાંત પાર્ટ લોન માટે વ્યાજ માફીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. અન્ય પગલા ઉપર પણ ચર્ચા ચાલી રહી છે. વચગાળાના નાણામંત્રી પીયુષ ગોયેલ પણ વિવિધ પગલાનો સંકેત આપી ચુક્યા છે. મળેલી માહિતી મુજબ ખેડૂતોની તકલીફ દૂર કરવા પગલા લેવાશે. આવક આધાર માટે પણ કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. શૂન્ય વ્યાજદર લોન ઉપર પણ ચર્ચા ચાલી રહી છે. બજેટ પહેલા કોઇ પેકેજની જાહેરાત પણ કરવામાં આવી શકે છે.
પરોક્ષ કરવેરા સાથે સંબંધિત ટેક્સ દરખાસ્તો પણ આવી શકે છે. સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયાને ધ્યાનમાં લઇને કેટલાક ફેરફાર પણ કરવામાં આવી શકે છે. કરદાતાઓ માટે કેટલીક રાહતોની શક્યતા છે. ૩.૫ લાખની ઉંચી ટેક્સ મુક્તિ અથવા તો મોટા સ્ટાન્ડર્ડ ડિડક્શન જેવા પગલા પણ દેખાઈ રહ્યા છે. બજેટમાં સરકાર દ્વારા ટેક્સમાં કાપ મુકાશે નહીં અથવા તો ૮૦સી કાપ મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. મૂળભૂત મુક્તિ ૫૦૦૦૦ રૂપિયા સુધી વધારીને ૩ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. આનાથી ૧.૫ કરોડ સામાન્ય કરદાતાઓને ફાયદો થશે જે ૩.૫ લાખથી ઉપરની કમાણી વાર્ષિક કરે છે. બીજી બાજુ સિનિયર સિટિઝનો માટે મુક્તિ મર્યાદા ૩.૫ લાખ કરવામાં આવી શકે છે. આનાથી ૬૦ લાખ સિનિયર સિટિઝનોને ફાયદો થશે.