દિલ્હીમાં G૨૦ સમિટની યુદ્ધના ધોરણે ચાલી રહી છે તૈયારીઓ, ૧૬૦ ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સ રદ કરાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાજધાની દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનારી G-૨૦ સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સમિટ દરમિયાન અનેક દેશોના વડાઓ દિલ્હીમાં હાજર રહેશે. તેને ધ્યાનમાં રાખીને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ આજે G-૨૦ કોન્ફરન્સમાં આવનારા મહેમાનોને લઈ જતી ગાડીઓના કાફલાની સુરક્ષાની પ્રેક્ટિસ કરવા જઈ રહી છે. જી-૨૦ સંમેલન ૯ અને ૧૦ સપ્ટેમ્બરે દિલ્હીના પ્રગતિ મેદાન સંકુલમાં બનેલા નવા સંમેલન સંકુલમાં યોજાનાર છે. આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ હાજર રહેશે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહેશે, જેને ધ્યાનમાં રાખીને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બીજી તરફ દિલ્હી એરપોર્ટે જણાવ્યું છે કે જી-૨૦ને લઈને ૧૬૦ ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સ કેન્સલ કરવામાં આવી છે. જો કે, દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી કંપની DIAL એ જણાવ્યું છે કે વિમાનોના પાર્કિંગને કારણે ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવી નથી. કંપનીઓ માટે જરૂરી પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. DIAL એ પણ માહિતી આપી છે કે અમને ત્રણ દિવસમાં લગભગ ૧૬૦ ફ્લાઇટ્‌સ રદ કરવાની વિનંતીઓ મળી છે. G-૨૦ સંબંધિત લાગુ કરાયેલા નિયંત્રણો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર અસર કરશે નહીં.

મહેમાનોની અભેદ્ય સુરક્ષા માટે, CRPF ગ્રેટર નોઇડામાં VIP સુરક્ષા તાલીમ કેન્દ્રમાં ૧૦૦૦ ‘ગાર્ડ્‌સ’ની ‘સ્પેશિયલ ૫૦ ટીમ’ તૈયાર કરી રહી છે. આ કોઈ સામાન્ય સૈનિકો નહીં હોય. આ કમાન્ડોએ SPG અને NSG જેવા સુરક્ષા એકમો સાથે કામ કર્યું છે. આ તમામ કમાન્ડો વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના વડાઓના VIP રૂટના ‘કાર્કેડ’માં ચાલશે. આ સિવાય ૩૦૦ જેટલા બુલેટપ્રુફ વાહનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક કમાન્ડો ડ્રાઈવરોને પણ વીઆઈપીની સાથે જવાની તાલીમ આપવામાં આવી રહી છે. જી-૨૦ ઈવેન્ટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં એવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, આ માટે જવાનોની ટ્રેનિંગ અને રિહર્સલ ચાલી રહ્યું છે.

Share This Article