અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે વર્તમાન જ્ઞાન યુગમાં ગુજરાતની યુવાશકિતને વિશ્વ સાથે સ્પર્ધામાં ઊભી રહી શકે તેવી સક્ષમ-સજ્જ બનાવવા નમો ઇ-ટેબ્લેટના ડિઝીટલ શસ્ત્રથી સજ્જ કરી છે. વિજય રૂપાણીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કોલેજના પ્રથમ વર્ષમાં અને ડિપ્લોમા ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આધુનિક વૈશ્વિક જ્ઞાન આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા રૂપિયા ર૦૦ કરોડના પ્રાવધાન સાથે શરૂ કરેલી નમો ઇ-ટેબ્લેટ યોજના અન્વયે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અને ય્્ેંની કોલેજોના છાત્રોને ટેબ્લેટ વિતરણ કર્યા હતા. તેમણે કહ્યું કે, અગાઉના સમયમાં શસ્ત્રો અને શાસ્ત્રોના જ્ઞાન આયુધથી યુવાનોને શિક્ષા-દિક્ષા અપાતા હતા. હવેનો યુગ ડિઝીટલ ક્રાંતિનો યુગ છે એટલે યુવાશકિતના હાથમાં ટેબ્લેટ આપીને તેની જ્ઞાન સંપદાનો રાષ્ટ્રહિતમાં વિનિયોગ કરવો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોને આ નમો ટેબ્લેટ આપવાની યોજના ર૦૧૭માં શરૂ કરી ત્યારે તેને ચૂનાવલક્ષી યોજના કહી રાજકીય આલોચના કરનારાઓએ આજે હવે આ નમો ટેબ્લેટને પરિણામે યુવાશકિતના સામર્થ્ય, શકિત, જ્ઞાન ક્ષમતા વર્ધન જોવાની જરૂર છે. તેમણે ઉમેર્યુ કે, આ નમો ઇ-ટેબ્લેટ આવતા ૪ વર્ષ સુધી સતત દર વર્ષે કોલેજોમાં નવો પ્રવેશ લેનારા યુવા છાત્રોને આપવાના છીયે. આપણે યુવાશકિતને તેના જ્ઞાન કૌશલ્યથી રાષ્ટ્ર સેવામાં ગુજરાતને અવ્વલ રાખવાનો રાષ્ટ્રહિત ભાવ રાખ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ ટેબ્લેટ અત્યાધુનિક ૪-ય્ ટેબ્લેટ છે અને ભવિષ્યમાં આવનારી ટેકનોલોજીને અનુરૂપ ટેબ્લેટ પણ આપવાની આપણી નેમ છે.
વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્ઞાનની આ સદીમાં ભારતનું ભાવિ ઉજ્જવળ છે અને આવનારા દિવસો ભારતના છે ત્યારે ગુજરાતની છાત્રશકિત જ્ઞાન સંપદાથી એમાં અગ્રેસર રહે તેવું વર્લ્ડ કલાસ એજ્યુકેશન યુનિવર્સિટી ભવનો-મહાવિદ્યાલયોમાં આપવું છે. આ સંદર્ભમાં તેમણે ગુજરાતમાં પેટ્રોલિયમ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી સહિત ૬૦ જેટલી યુનિવર્સિટીઓના જ્ઞાન ભંડાર ખોલી આપ્યા છે તેની ભૂમિકા આપી હતી. આગામી દિવસોમાં રેલ્વે યુનિવર્સિટી પણ ગુજરાતમાં શરૂ થશે તેની છણાવટ કરતાં વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, યુવાઓની સુષુપ્ત શકિતને બહાર લાવીને સ્ટાર્ટ અપ ઇન્ડીયા, સ્ટેન્ડ અપ ઇન્ડીયા, આઇ-ક્રિયેટ જેવા સોફટ સ્કિલ ડેવલપમેન્ટથી યુવાનોને જોબ સીકર નહિ, જોબ ગીવર બનાવવા છે. તેમણે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ કલાસરૂમ –જ્ઞાનકુંજ પ્રોજેકટ અને બ્લેક બોર્ડના સ્થાને પ્રોજેકટરના નવિન આયામોની ભૂમિકા આપતાં ઉમેર્યુ કે, પાછલા દોઢ દાયકામાં રાજ્યમાં અક્ષરજ્ઞાનનો દર ૮પ-૯૦ ટકા અને ડ્રોપ આઉટ રેઈટ એકથી દોઢ ટકા જેટલો રહ્યો છે. આપણે જ્ઞાનશકિતનો મહિમા વધારીને મા-ભારતીને સરસ્વતી, દુર્ગા, અન્નપૂર્ણા જેવી દેવી શકિતના સામર્થ્યવાળી સુજલામ-સુફલામ બનાવવી છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, આ ટેબ્લેટ માટે જે ૧૦૦૦ રૂપિયા ટોકન તરીકે વિદ્યાર્થીઓ આપે છે તેની ૩૦ કરોડની રકમમાંથી કોલેજ કેમ્પસ, યુનિવર્સિટીઓ તેમજ લાયબ્રેરીઓ વાઈ-ફાઈ બનાવીને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે યુવા છાત્રોને આંગળીના ટેરવે વિશ્વની જ્ઞાન સમૃદ્ધિ આપવી છે. ટેકનોલોજી અને ટેબ્લેટ એ વિદ્યાર્થીઓના જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતીજ વિસ્તારનાર હોવાનું લેખાવી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, આજની સદી જ્ઞાન અને વિજ્ઞાનની છે. જ્ઞાનના અસીમિત પ્રવાહમાં રાજ્યના વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય તે માટે વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવાનો રાજ્ય સરકારનો અભિગમ અન્ય રાજ્યોની તુલનામાં આગવો અભિગમ છે. આજે ટેકનોલોજી બહુ ઝડપથી બદલાઇ રહી છે તેને ધ્યાને લઇને આજે અદ્યતન ફીચરવાળા ટેબલેટ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે જેથી ગુજરાતનો વિદ્યાર્થી વૈશ્વિક સ્પર્ધામાં પાછળ ન રહી જાય. ચુડાસમાએ જણાવ્યું હતું કે, દર શનિવારે-રવિવારે હેકાથોનનું આયોજન કરાય છે અને તે દ્વારા ઉદ્યોગ જગતને જરૂરી ટેકનોલોજી ક્ષમતાવાળા માનવબળની જરૂર છે તેવું માનવબળ ટેકનોલોજીથી સુસજ્જ કરવાનો રાજ્ય સરકારનો અભિગમ છે અને તે હેકાથોનના માધ્યમ દ્વારા સાકાર કરવામાં રાજ્ય સરકારને સફળતા પણ મળી રહી છે.