ગોંડલમાં પાંચ કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવવા માટે તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સગૌરવ અને નતમસ્તકે સ્વીકાર્યુ હતું કે રાજ્ય સરકારની મહેનત સંતોના આશીર્વાદથી ઉજળી બની છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે શ્રી ઉગારામદાદાની ૫૦ મી નિર્વાણ તિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ સંતશ્રી ઉગારામે આજથી ૫૦-૬૦ વર્ષો પહેલાં આદરેલા સામાજિક સમરસતાના કાર્યોને આજે પણ સમયોચિત ગણાવ્યા હતા અને શ્રી ઉગારામદાદાએ ચીંધેલા રાહ પર પ્રવૃત થવા સમગ્ર ભક્તગણને અનુરોધ કર્યો હતો. મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે એવી જાહેરાત કરી હતી કે ગોંડલ વિસ્તારમાં દલિત સમાજના છાત્રો માટે રૂ. ૫ કરોડ ૪૦ લાખના ખર્ચે હોસ્ટેલ બનાવવામાં આવશે ઉપસ્થિત જનસમુદાયે આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

સંત શ્રી ઉગારામબાપાના જીવન કવનને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ તાજેતરમાં જ નિધન પામેલા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ સાથે બખૂબી સાંકળી લીધા હતા અને શ્રી બાજપાઈજીના સંસ્મરણો અનોખી રીતે વાગોળ્યા હતા. આ ધાર્મિક પ્રસંગના સાક્ષી બનવા બદલ મુખ્ય મંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને માનવ કલ્યાણની આ યાત્રા અવિરત આગળ વધે એવી શુભેચ્છા આયોજકોને પાઠવી હતી. તમામ પ્રકારના ભેદભાવ ભૂલી રાષ્ટ્ર કલ્યાણના માર્ગે પ્રગતિ સાધવા મુખ્ય મંત્રી શ્રી રૂપાણીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણી તથા અન્ય આમંત્રિતોએ દીપ-પ્રાકટ્ય વિધિ સંપન્ન કર્યા બાદ દેવાંગભાઈએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. ઉત્સાહી ગ્રામજનોએ મુખ્ય મંત્રીશ્રીને ફૂલોના હાર, પુષ્પગુચ્છ, પાઘડી તથા વિવિધ સ્મૃતિચિહ્ન એનાયત કરી તેમનો હૈયાનો હરખ વ્યક્ત કર્યો હતો.  શ્રી જયંતીબાપા, શ્રી ગોરધનબાપા અને શ્રી મુકતાનંદબાપુ વગેરે સંતોએ ઊપસ્થિત ભકતગણને  આશિર્વચન પાઠવ્યા હતા. વિજય રૂપાણીએ સભા સ્થળે આવતા પહેલાં સંતશ્રી ઉગારામ દાદાની સમાધી સ્થળે શીશ ઝુકાવી દર્શન કર્યા હતાં.

Share This Article