પ્રયાગરાજ : કુંભ મેળાને લઈને દેશભરમાં હાલ ચર્ચા ચાલી રહી છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે આની શરૂઆત થયા બાદ ચોથી માર્ચ સુધી ચાલનાર કુંભ મેળા પર જંગી ખર્ચને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ ઈન્ડસ્ટ્રી બોડી કન્ફરડેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે કુંભના આયોજનથી ઉત્તરપ્રદેશને ૧.૨ લાખ કરોડ રૂપિયાની આવક થઈ રહી છે. સીઆઈઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કુંભ એક આધ્યાત્મિક અને ધાર્મિક આયોજન તરીકે છે પરંતુ આની સાથે જાડાયેલી આર્થિક ગતિવિધિઓના પરિણામ સ્વરૂપે છ લાખ લોકોને સીધી રીતે રોજગારી મળી રહી છે.
ઉત્તરપ્રદેશ સરકારે ૫૦ દિવસના કુંભ મેળા માટે ૪૨૦૦ કરોડ રૂપિયાની જંગી ફાળવણી કરી છે. જે વર્ષ ૨૦૧૩ના મહાકુંભ મેળની સરખામણીમાં ત્રણ ગણી વધારે રકમ છે. હજુ સુધીના સૌથી મોંઘા કુંભ તરીકે આને ગણવામાં આવે છે. સીઆઈઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટાલિટી સેકટરમાં ૨.૫ લાખ લોકોને સીધી રીતે રોજગારી મળી રહી છે. એરલાઈન્સ અને એરપોર્ટ ઉપર ૧.૫ લાખ લોકોને નોકરી મળી છે. ઉપરાંત ટુર ઓપરેટર્સ દ્વારા ૪૫ હજાર લોકોને રોજગારી આપવામાં આવી છે.
ટુરીઝમ અને મેડિકલ ટુરીઝમના પરિણામ સ્વરૂપે ૮૫ હજાર લોકોને રોજગારી મળી છે. ઉપરાંત ટુર ગાઈડ, ટેક્સી ડ્રાઈવર સહિતના કોરોબારીઓને ૫૦ હજાર નોકરીઓની તકો સર્જાઈ છે. સરકારી એજન્સીઓ અને વેપારીઓની આવકમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન, મલેશિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાંથી પ્રવાસી કુંભમેળામાં પહોંચ્યા છે. મેળાથી ઉત્તરપ્રદેશને ૧.૨ લાખ કરોડ રૂપિયાની આવક થઈ રહી છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલપ્રદેશમાંથી પણ જંગી નાણાં આવી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આ રાજ્યોમાં પણ ફરવા જઈ શકે છે. રાજ્યના નાણામંત્રી રાજેશ અગ્રવાલે માહિતી આપતા કહ્યું છે કે ઉત્તરપ્રદેશ સરકારે અલ્હાબાદમાં કુંભ માટે ૪૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સૌથી મોંઘા તીર્થ સ્થળ તરીકે હવે આને ગણવામાં આવે છે. અગાઉની સરકારે ૧૩૦૦ કરોડ રૂપિયાની રકમ આપી હતી. કુંભામેળાનું સંકુલ આ વખતે છેલ્લા મેળાની સરખામણીમાં બે ગણા વધારા સાથે ૩૨૦૦ હેકટર વિસ્તારમાં છે. ૨૦૧૩માં કુંભનું આયોજન ૪૨૦૦ હેકટર વિસ્તારમાં કરાયું હતું.