ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એરપોર્ટ પર મહાકુંભ માટે આવતા ભક્તોનો નવો રેકોર્ડ સર્જાયો છે, મહાકુંભ માત્ર પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓનો મેળાવડો નથી, પરંતુ હવે તે દેશ-વિદેશના શ્રીમંત અને શક્તિશાળી લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ધર્મ અને ભક્તિ સાથે જાેડાયેલો આ મહાકુંભમાં હવે શ્રીમંત લોકોનું આગમન પણ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ અને જાણીતા વ્યક્તિઓ પોતાના ખાનગી જેટ અને ચાર્ટર્ડ વિમાનો દ્વારા અહીં પહોંચી રહ્યા છે. મહાકુંભ દરમિયાન હજારો સેલિબ્રિટીઓ, વિદેશી રાજદ્વારીઓ અને મનોરંજન ઉદ્યોગના લોકો ચાર્ટર્ડ વિમાનો દ્વારા આવી રહ્યા છે અને પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે, જ્યારે આવા સક્ષમ શ્રદ્ધાળુઓનું આવવાનું હજુ પણ સતત ચાલુ છે. ચાર્ટર્ડ ફ્લાઇટ્સ સિવાય, સ્પાઇસજેટ, ઇન્ડિગો અને એર ઇન્ડિયાની લગભગ 300 નિયમિત ફ્લાઇટ્સ દર અઠવાડિયે ઉતરી રહી છે. 14 ફેબ્રુઆરીએ મહાકુંભમાં 50 કરોડથી વધુ ભક્તો ઉમટતા ભવ્ય ભીડનો રેકોર્ડ બન્યો છે, જેમાં વાહન, ટ્રેન અને ફ્લાઇટ મારફતે આવતા શ્રદ્ધાળુઓએ પણ નવો ઇતિહાસ રચ્યો છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એરપોર્ટ ને મહાકુંભ દરમિયાન ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં ગણી શકાય, કારણ કે એક જ દિવસમાં અહીં ઉતરતા મુસાફરોની સંખ્યા સામાન્ય દિવસોના આખા મહિના કરતા વધી ગઈ છે. આ વધેલા એર ટ્રાફિકને કારણે ચાર્ટર્ડ અને ખાનગી વિમાનોની અવરજવર નોંધપાત્ર રીતે વધી છે, અને યાત્રી માટે એરપોર્ટ સતત વ્યસ્ત બની રહ્યો છે.
પ્રયાગરાજ એરપોર્ટ પર મહાકુંભને કારણે ચાર્ટર્ડ અને ખાનગી જેટ વિમાનોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે, જેના કારણે હવે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. પાર્કિંગની મુશ્કેલીઓ ઉપરાંત, ફ્લાઇટ લેન્ડિંગ માટે પણ રાહ જોવી પડી રહી છે. 11 ફેબ્રુઆરીએ એક જ દિવસે 71 ચાર્ટર્ડ ફ્લાઇટ્સ ઉતરવાના રેકોર્ડ સાથે એરપોર્ટે નવા માપદંડ સ્થાપ્યા છે, જ્યારે 8 ફેબ્રુઆરીથી દરરોજ 60થી વધુ ચાર્ટર્ડ અને ખાનગી વિમાનો પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં 650થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પ્રયાગરાજ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂકી છે, જે મહાકુંભ દરમિયાન એર ટ્રાફિકના વધતા મહત્વને દર્શાવે છે.