વીએચપીના નેતા પ્રવીણ તોગડિયાની કારને સુરતમાં કામરેજ નજીક અકસ્માત નડ્યો છે. તોગડિયાએ આ મામલે સરકાર પર સીધો આક્ષેપ કરતા કહ્યું છે કે, તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા મળી હોવા છતાં તેમાં ઈરાદાપૂર્વક બેદરકારી દાખવવામાં આવી છે, અને તેના કારણે જ તેમની કારને અકસ્માત થયો છે. આ અકસ્માત પોતાની હત્યાનું કાવતરું હોવાનો પણ તોગડિયાએ દાવો કર્યો છે. આ અકસ્માતમાં તોગડિયાને કોઈ ઈજા નથી થઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કામરેજ પાસે તોગડિયાની કારને અકસ્માત નડ્યો હતો. તઓ સુરતથી અમદાવાદ આવી રહ્યા હતા તે વખતે હાઈવે પર એક ટ્રકે પાછળથી તેમની કારને અડફેટે લીધી હતી. વીએચપી દ્વારા કરાયેલા દાવા અનુસાર, ટ્રકે કારને 30 ફુટ સુધી ઢસડી હતી. તોગડિયાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, કાર બુલેટ પ્રુફ હોવાથી તેમાં સવાર તમામ લોકો બચી ગયા હતા.