અયોધ્યામાં રામમંદિર બનાવવા સહિતના મુદ્દાઓને લઇને આમરણ ઉપવાસ પર ઉતરેલા વીએચપીના પૂર્વ વરિષ્ઠ નેતા પ્રવીણ તોગડીયાની તબીયત આજે ઉપવાસ આંદોલનના બીજા દિવસે લથડી ગઇ હતી. તબીબી તપાસમાં તેમનું બીપી અને સુગર હાઇ આવતા ડૉક્ટરોએ તેમને વધુ ન બોલવાની સલાહ આપી હતી. તેમ છતાંય પ્રવીણ તોગડીયાએ આજે પણ મોદી સરકાર પર રામમંદિર, આરોગ્ય, શિક્ષા, ખેતી, ઘર, ભોજન અને રોજગાર સહિતના વિવિધ મુદ્દે આકરા શાબ્દીક પ્રહાર કરીને સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી.
બુધવારે ગીરનારના ભવનાથ મહાદેવ મંદિરના મહંત અમરનાથ ગીરીબાપુ પણ આજે પ્રવીણ તોગડીયાના સમર્થનમાં તેમની સાથે ઉપવાસ પર બેસી ગયા હતા. જુનાગઢ, ખેડા, મહેસાણાથી આજે મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા હતા. થાન ખોડીયાર મંદિરના અખિલગીરી મહારાજ, મધ્યપ્રદેશથી અક્ષયવિહારી સ્વામી સહિતના સંતો-મહંતો આજે સમર્થનમાં ઉતરી આવ્યા હતા. બીજી બાજુ પાસ નેતા દિલીપ સાબવાસ, નિલેશ એરવાડીયા, રાહુલ દેસાઇ તેમજ રાજપૂત કરણી સેનાના અર્જુનસિંહ ગોહિલે પ્રવીણ તોગડીયાની મુલાકાત લઇને તેમને સમર્થન જાહેર કર્યું હતું. પ્રવીણ તોગડીયાએ આજે રામમંદિર મુદ્દે જણાવ્યું હતું કે સંસદમાં કાયદો નહીં બને તો રામમંદિર કેવી રીતે બનશે.
વિશેષ જમીન અધિગ્રહણ અયોધ્યા કાયદા મુજબ કેસ હારનારને બાજુમાં જ ૬૩ એકર જમીન મળશે. ૧૯૯૩નો અયોધ્યા અંગેનો કાયદો દુર કરવાની તેમણે માંગ કરી હતી. તેઓએ હિંદુ હેલ્પ લાઇનને વધુ વેગવંતી બનાવવાની જાહેરાત કરી હતી.