વિશ્વ હિન્દુ પરિષદમાંથી ખૂબ જ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસને લઈને મામલો ગરમ થયો છે.
તેઓએ સાધુ- સંતો તથા વિહિપના વિવિધ ૧૫૦૦ અગ્રણીઓ સાથે અમદાવાદમાં મંગળવારથી કેન્દ્રની મોદી સરકાર સામે મોરચો માંડવા માટે ૧૭મી એપ્રિલથી ઉપવાસ પર ઉતરવાનું જાહેર કર્યું હતું, પરંતુ પોલીસ તંત્ર દ્વારા ડો. તોગડિયાને મંજૂરી અપાઈ નથી. બીજી બાજુ તેમણે આવતી કાલથી કોઈ પણ ભોગે ઉપવાસ પર બેસવા કૃતનિશ્ચયી હોવાથી ઘર્ષણ થવાના એંધાણ છે.
તાજેતરમાં વિહિપના આંતરરાષ્ટ્રીય પ્રમુખ માટેની ચૂંટણીમાં ડો. તોગડિયાનો કાંટો કાઢી નખાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇશારે ઉભા રહેલા કોકજેનો વિજય થયો હતો. જો કે, પ્રવીણ તોગડિયાની કારકિર્દી ખતમ કરી નખાશે તેવી અટકળો ક્યારનીય ચાલતી હતી જે હવે સાચી પડી છે. ડો. તોગડિયા અયોધ્યામાં રામમંદિર બાંધવા, જમ્મુ કાશ્મીરમાં પંડિતોને રક્ષણ આપી તેમનું પુન:વસન કરવા. ખેડૂતોના પ્રશ્નો હલ કરવા સહિતની છ જેટલી માંગણીઓ સાથે મોદી સામે બાથ લીધી છે.
ડો. તોગડિયાએ વાડજમાં આરટીઓ સર્કલ પાસે આવેલા બત્રીસી સમાજની વાડીની બહાર અચોક્કસ મુદતના ઉપવાસ- ધરણા કરવાનું જાહેર કર્યું હતું, પરંતુ પોલીસે આરટીઓ પાસે ઉપવાસને મંજૂરી નહી આપતા તોગડિયાએ યુનિવર્સિટી પાસે આવેલા જીએમડીસીના ગ્રાઉન્ડમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પોલીસ તંત્રએ રાજકીય નેતાઓના ઇશારે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું બહાનું કાઢીને ડો. તોગડિયાને જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ મંજૂરી આપી નથી. આમ છતાં તોગડિયાએ ઉપવાસ શરૂ કરવાનું નકકી કર્યું હોવાથી આખરેપાલડીમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય વણીકર ભવન ખાતે જ ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું છે.