અમદાવાદ : ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે લોભામણી જાહેરાતો આપી આમ નાગરિકોના નાણાં પચાવી પાડીને આર્થિક કૈભાંડ કરનાર તત્વોને કડકમાં કડક સજા આપવા રાજય સરકાર કટિબધ્ધ છે. અમદાવાદની આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપની દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના આર્થિક કૈભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, સામાન્ય નાગરિકના નાણાં લેભાગુ તત્વો પચાવી ન પાડે તે માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને કડક નિયમો બનાવ્યા છે. નાગરિકોને શાંતિ અને સલામતિ પુરી પાડવી તે અમારી પ્રાથમિકતા રહી છે.
ત્યારે લોકોને છેતરનાર તત્વોને પણ નશ્યત કરવા રાજય સરકાર કોઇ કચાશ રાખશે નહી. તેમણે ઉમેર્યુ કે, આર્ચરકેર અને ડીજી એન્ડ એલએલપી કંપનીના ડાયરેકટરો દ્વારા નાગરિકોના કરોડો રૂપિયાની નાણાંકીય ઉચ્ચાપત અંગે તા.૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આ તમામ ગુનાઓની તપાસ ડીજીપી દ્વારા સીઆઇડી ક્રાઇમને સોપવાનો નિર્ણય કરાયો છે. ગુનામાં થયેલ છેતરપીડીની વિગતો ધ્યાને લેતા આ એક પૂર્વ આયોજીત આર્થિક કૈભાંડ હોઇ તેવું સ્પષ્ટ પણે જણાઇ આવે છે અને ભવિષ્યમાં પણ આ અંગે વધુ ફરીયાદો દાખલ થાય એવી સંભાવનાઓ છે.
જેને ધ્યાને લઇને આ ગુનાઓની તપાસ કોઇ એક જ એજન્સી દ્વારા થાય તે ઇચ્છનિય હોઇ આ તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવાનો મહત્વનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. જાડેજાએ કહયુ કે, કંપનીઓ દ્વારા કરાયેલ તમામ નાણાંકીય ઉચ્ચાપતના ગુનાઓની તપાસ માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. માર્ગદર્શન હેઠળ આ ગુનાઓમાં ધ ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ ઇન ફાયનાન્સીયલ એસ્ટાબ્લીસમેન્ટ એકટની જોગવાઇઓ લાગુ પડે છે કેમ તે ચકાસવામાં આવશે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		