નડિયાદ : ખેડાના બહુચર્ચિત નડિયાદમાં લઠ્ઠાકાંડમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં ખુલાસો સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફેફસા બંધ થયા હોવાથી મોત થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ મામલે સોડાની અનેક બોટલો કબ્જે કરી રિપોર્ટ અર્થે મોકલવામાં આવી છે. સોડાની બોટલ મૃતક કનું ચૌહાણ દ્વારા લાવ્યાનુ પ્રત્યક્ષદર્શીનું નિવેદન લેવામાં આ્વ્યું છે. સોડાની અંદર કેફી દ્રવ્યની મિલાવટ કર્યાની શક્યતાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી મુજબ, સોડાની અંદર સાઇનાઈટ અને સોડિયમ નાઇટ્રેડ જેવા કેમિકલનો ઉપયોગ થયો છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. મોતનું ચોક્ક્સ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ઓફ ડેથ અને એફએસએલ રિપોર્ટ બાદ સામે આવી શકે છે. આ ઘટનામાં એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે સોડા પીધા બાદ ૫ જ મીનિટમાં ત્રણેયને અસર થઇ હતી, જેથી આ સોડાકાંડ છે કે લઠ્ઠાકાંડ તેને લઇને પણ હજુ સવાલ ઉભો છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે મૃતકો પૈકી એક કનુભાઇ ચૌહાણ જીરા સોડાની બોટલ લઇને આવ્યા હતા, જે સોડા ત્રણેયે પીધી હતી. સોડા પીધા બાદ એક વ્યક્તિની તબિયત તુરંતજ બગડી હતી જેથી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો , તો થોડીવારમાં બાકીના બે લોકોની તબિયત પણ બગડી હતી.
આ સમગ્ર મામલે આ ઘટનામાં ત્રણેયના બ્લડ સેમ્પલને રાત્રેજ FSL માટે મોકલવામાં આવ્યા હતા. બ્લડ રિપોર્ટમાં ઇથાઇલ આલ્કોહોલ પોઇન્ટનું લેવલ ૩ વ્યક્તિઓ પૈકી ૨માં ૧ પોઇન્ટ છે જ્યારે એક વ્યકિતમાં ૨ પોઇન્ટ છે. આ મામલે વધુ માહિતી સંપૂર્ણ રિપોર્ટમાં ખુલાસા બાદ થશે, જોવાનું એ રહ્યું કે લઠ્ઠાકાંડ કે પછી સોડાકાંડ.