અમદાવાદ : પોષી પૂનમનો પવિત્ર દિવસ અને માં જગદંબાનો પ્રાગટ્ય દિન હોવાથી સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, ચોટીલા ચામુંડા, ગિરનાર-દાતાર સહિતના માતાજીના મંદિરોમાં લાખો માંઇભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. શ્રધ્ધાળુ ભકતોના જબરદસ્ત ધસારાને લઇ મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન અને જડબેસલાક બનાવવામાં આવી હતી. સમગ્ર રાજયમાં સુપ્રસિધ્ધ અંબાજી, ચોટીલા ચામુંડા, ગિરનાર-દાતાર સહિતના મંદિરોમાં માતાજીના પ્રાગટ્ય દિનની ભારે ભકિતભાવપૂર્વક અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના પવિત્ર દિને અંબાજી સહિતના મંદિરોમાં માતાજીનો વિશેષ સાજ-શણગાર અને મંદિરોમાં અનેરું સુશોભન અને આકર્ષણો કરવામાં આવ્યા હતા. જેને લઇ લાખો શ્રધ્ધાળુ ભકતોમાં પણ ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયેલો જાવા મળ્યો હતો.
હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહ¥વની છે. સોમવારે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં સ્વામી શનિ બન્યો છે. આજના દિવસે શાકંભરી નવરાત્રિ સમાપ્ત થાય છે, અંબાજી પ્રાગટ્યોત્સવ, માધ સ્નાનારંભ, ૨૦૧૯ સાથે ચંદ્ર ખંડગ્રાસ ગ્રહણ સહિત આજનો દિવસ મહત્વનો બન્યો હતો. આજે મા અંબાનો પ્રાગટય દિન અનન્ય શ્રદ્ધા અને આસ્થા સાથે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ઉજવાયો હતો. આજે ફૂલોથી મંદિરને સજાવાયું હતું. માંને આજે છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવા સાથે વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. માં અંબાજીના નગરજનોએ આજે ઘેર ઘેર દીવા પ્રગટાવીને મા અંબાનાં જન્મનાં વધામણાં કર્યા હતા. આજે મા અંબાની સન્મુખ ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ ,છપ્પનભોગ અન્નકૂટ અને હાથી ઘોડા પાલખી સાથે માતાની ભવ્ય પાલખી સાથે શોભાયાત્રા નીકળી હતી. આજે અંબાજીમાં આવનાર દરેક શ્રદ્ધાળુઓને મા અંબિકા ભોજનાલયમાં ખાસ નિઃશુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજનો દિવસ શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાતો હોઈને જગદંબાને વિવિધ શાકભાજી ધરાવવામાં આવ્યા હતા.
માંઇભક્તો દ્વારા જગદંબાની શોભાયાત્રા દરમ્યાન સુખડીનો પ્રસાદ, મીઠી, ચોકલેટ, કેક વહેંચીને ઉજવણી કરાઇ હતી. અંબાજી મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ૪૦૦થી વધુ પોલીસ અને સુરક્ષા જવાનોની વ્યવસ્થા તૈનાત કરાઇ હતી. આજે સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સમન્વય છે, તેથી આજનો દિવસ પુણ્યબળની વૃદ્ધિ માટેનો છે આજના દિવસથી માઘ સ્નાનનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. તેથી આજે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોઇ લાખો શ્રધ્ધાળુ ભકતોએ માતાજીની પૂજા-અર્ચના કરી દાન-પુણ્ય કરી પોષી પૂનમનો દિન ભકિતપૂર્વક ઉજવ્યો હતો.