હાલ ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ત્યારે ગુરુવારે પોર્ટુગલ અને ઘાના વચ્ચે મુકાબલો યોજાયો હતો. આ મેચમાં બંને ટીમોએ એકબીજાને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ અંતે પોર્ટુગલે ઘાનાને ૩-૨થી હરાવ્યું હતું. આ બધાની વચ્ચે પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ઇતિહાસ રચી દીધો છે. રોનાલ્ડોએ આ મેચમાં ૬૫મી મિનિટે પેનલ્ટી સ્પોટ પરથી ગોલ ફટકાર્યો હતો અને આ સાથે જ રોનાલ્ડો ૫ વર્લ્ડ કપમાં સ્કોર કરનાર પ્રથમ પુરુષ ખેલાડી બની ગયો છે. તેઓ પાંચ ફિફા સીઝન ૨૦૦૬, ૨૦૧૦, ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૨માં ગોલ કરનાર દુનિયાના પ્રથમ ફૂટબોલર બની ગયા છે. આ મેચમાં રોનાલ્ડો સહિત બ્રુનો ફનાર્ન્ડિઝ અને રાફેલ લિયાઓએ પણ ૧-૧ ગોલ કર્યો હતો. ૩૭ વર્ષીય રોનાલ્ડો પુરૂષોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ નોંધાવનાર ખેલાડી છે અને તેણે વિશ્વ કપમાં પોર્ટુગલ માટે ૧૮ વખત રેકોર્ડ બનાવ્યો છે. રોનાલ્ડોએ કહ્યું કે, ‘મારા પાંચમા વર્લ્ડ કપમાં આ એક સુંદર ક્ષણ છે. અમે જીત્યા, અમે જમણા પગથી શરૂઆત કરી. એક ખૂબ જ મહત્વપૂર્ણ જીત છે. અમે જાણીએ છીએ કે આવી સ્પર્ધાઓમાં પ્રથમ ગેમ જીતવી નિર્ણાયક છે. આ સાથે રેકોર્ડ પણ સતત પાંચ વર્લ્ડ કપમાં સ્કોર કરનાર એકમાત્ર ખેલાડી બનવું મારા માટે ખૂબ ગર્વની બાબત છે.
રોનાલ્ડોએ ઉમેર્યું કે, ‘હું ટીમ માટે ખૂબ જ ખુશ છું કે તેણે શાનદાર પ્રદર્શન કર્યું. મુશ્કેલ હતી પણ સારી જીત. મહત્વની વાત એ હતી કે, ટીમ જીતી ગઈ. માન્ચેસ્ટર યુનાઈટેડ પ્રકરણ હવે બંધ થઈ ગયું છે અને ધ્યાન ફક્ત અને ફક્ત વિશ્વ કપ પર છે. મેં કહ્યું તેમ, અમે જમણા પગથી શરૂઆત કરવા માંગતા હતા. અમે જીત્યા, અમે રમ્યા. મેં ટીમને મદદ કરી. બીજું બધું મહત્વનું નથી. મહત્વની બાબત રાષ્ટ્રીય ટીમ છે. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં રોનાલ્ડોએ ક્લબ અને કોચ એરિક ટેન હેગની ટીકા કરી હતી, જે બાદ તેણે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ દ્વારા માન્ચેસ્ટર યુનાઇટેડ છોડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રોનાલ્ડોએ ૨૦૦૩માં પોર્ટુગલમાંથી ડેબ્યૂ કર્યું. જેના ૧૦ મહિના પછી ગ્રીસ સામે યુરો ૨૦૦૪ ગ્રૂપ સ્ટેજ ગેમ દરમિયાન તેનો પ્રથમ ગોલ કર્યો હતો. તેનો પહેલો વર્લ્ડ કપ ગોલ ૨૦૦૬માં ઈરાન સામે ૨-૦થી જીતમાં પેનલ્ટી સ્પોટ પરથી હતો. તેનો બીજો વર્લ્ડ કપ ગોલ ચાર વર્ષ પછી દક્ષિણ આફ્રિકામાં ઉત્તર કોરિયાને ૭-૦થી હરાવ્યું તે મેચમાં હતો. રોનાલ્ડોએ બ્રાઝિલમાં ૨૦૧૪ વર્લ્ડ કપમાં ઘાના સામે પોર્ટુગલની ૨-૧થી થયેલી જીતમાં પણ ગોલ કર્યો હતો, પરંતુ તેની ટીમને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેઓ ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગયા હતા. ૨૦૧૯માં સતત પાંચ વર્લ્ડ કપમાં સ્કોર કરનારા પ્રથમ ખેલાડી માર્ટા હતા અને તે જ વર્ષે ક્રિસ્ટિન સિંકલેરે આ સિદ્ધિ મેળવી હતી. રોનાલ્ડોનો સૌથી સફળ વિશ્વ કપ અભિયાન ૨૦૧૮માં રશિયામાં હતું, જ્યાં તેણે સ્પેન સામે ૩-૩ની ડ્રોમાં હેટ્રિક સહિત ચાર ગોલ કર્યા હતા. જેમાંથી છેલ્લો ગોલ ૮૮મી મિનિટે ફટકાર્યો હતો. પોર્ટુગલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૦૬ વર્લ્ડ કપમાં રહ્યું હતું, જેમાં તેઓ ચોથા સ્થાને રહ્યા હતા. ઘાના સામે ગુરુવારની ગ્રુપ Hની ગેમમાં સ્કોર કરીને વિશ્વ કપમાં પોતાનો આઠમો ગોલ કર્યો હતો.
જો કે, રોનાલ્ડો હજી પોર્ટુગલના દિગ્ગજ ખેલાડી યુસેબિયો દ્વારા સેટ કરાયેલી સ્પર્ધામાં દેશના રેકોર્ડની બરોબરીથી એક સ્ટ્રાઇક દૂર છે. યુસેબિયોએ પોર્ટુગલને લંડનમાં ૧૯૬૬ના વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને પહોંચવામાં મદદ કરી હતી, જ્યાં તે નવ ગોલ સાથે ટોચનો સ્કોરર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં રોનાલ્ડોનો શ્રેષ્ઠ સમય ત્યારે આવ્યો, જ્યારે તેણે પોર્ટુગલને ૧-૦થી ફ્રાન્સ સામે યુરો ૨૦૧૬નું ગૌરવ અપાવ્યું હતું. તે પોર્ટુગલનો પહેલો મોટો ખિતાબ હતો અને ત્રણ વર્ષ પછી તેને UEFA નેશન્સ લીગનો ખિતાબ મળ્યો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘અમારા વર્લ્ડ કપ ઓપનરમાં ખૂબ જ મહત્વપૂર્ણ જીત, પરંતુ કંઈ જીત્યું નથી! તે માત્ર પ્રથમ પગલું હતું! અમે અમારા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ છે પોર્ટુગલની તાકાત!’