અમદાવાદ : ખેડૂતોની આવકો બમણી કરવાના સરકારી દાવાઓ વચ્ચે રાજયમાં ખેડૂતોના આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓછા વરસાદને કારણે ઠેર-ઠેર પાક નિષ્ફળ બન્યા છે અને પાકવીમા દ્વારા જરૂરી રકમ મળતી ન હોવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા જ કારણોસર પોરબંદરના કુતિયાણામાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યાનું સામે આવતાં રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.
મરતાં પહેલા આ ખેડૂતે લખેલી સ્યુસાઈડ નોટમાં રાજ્ય સરકાર ખેડૂતો માટે કાંઈ કરતી ન હોવાનો ગંભીર આક્ષેપ કરતાં સરકાર ઘેરાઇ ગઇ છે અને ખેડૂતો માટેના સરકારના તમામ દાવા પોકળ સાબિત થયા છે. બીજીબાજુ, કોંગ્રેસે પણ રાજયમાં દિન પ્રતિદિન ખેડૂતોની આત્મહત્યાના વધી રહેલા બનાવોને લઇ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી આ સરકાર ખેડૂતો મુદ્દે તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. આવનારા દિવસોમાં ખેડૂતઆલમ સરકારને જવાબ આપશે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૫૪વર્ષીય વિરમભાઈ મશરીભાઈ ઓડેદરા નામના ખેડૂત મોબાઈલ ટાવરમાં જ્યાં તેઓ ચોકીદાર તરીકે નોકરી કરતા હતા., તે જ ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતા. અને પોલીસને જાણ કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ખેડૂતે આપઘાત કરતા પહેલા તેના મોબાઈલમાં એક વિડીયો બનાવ્યો હતો. તેમજ એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે પોતાની વ્યથાનું વિસ્તારથી વર્ણન કર્યું હતું. સ્યુસાઈડ નોટમાં જણાવ્યા મુજબ, પોતાની જમીનમાં વાવેલો ગુંદરીનો પાક નિષ્ફળ ગયો છે અને બેંકમાંથી તેમણે રૂ.૧ લાખની લોન લીધી હતી, તેમજ સગા સંબંધીઓ પાસેથી પણ રૂ.૩ લાખ ઉછીના લીધા હતા.
આમ દેવું વધી ગયું અને પાક નિષ્ફળ ગયો તેમજ સરકાર ખેડૂતો માટે કાંઈ કરતી ન હોવાને કારણે કંટાળીને પોતે આ પગલું ભરતા હોવાનું પણ તેમણે લખ્યું છે. એટલું જ નહી, અંતમાં પોતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ખેતીવાડી અધિકારીને મોકલવાની વિનંતી પણ તેમણે આ સ્યુસાઈડ નોટમાં કરી છે. હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ લખીને ખેડૂતે કરેલા આપઘાતના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજીબાજુ, કોંગ્રેસે પણ રાજયમાં દિન પ્રતિદિન ખેડૂતોની આત્મહત્યાના વધી રહેલા બનાવોને લઇ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી આ સરકાર ખેડૂતો મુદ્દે તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. આવનારા દિવસોમાં ખેડૂતઆલમ સરકારને જવાબ આપશે. કોંગ્રેસે ખેડૂતોના મામલે રાજયભરમાં આંદોલન તેજ બનાવવાની વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.