અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની યાત્રાએ પહોંચ્યા બાદ આજે પ્રથમ દિવસે જ અમદાવાદમાં અતિઆધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ૭૫૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે તેમની સાથે અનેક અગ્રણી લોકો પણ રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અતિઆધુનિક અને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું સાંજે ચાર વાગ્યાની આસપાસ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે લોકાર્પણની પ્રક્રિયા યોજવામાં આવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પોતાના ટૂંકા સંબોધનમાં કહ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં જવાથી લોકો પહેલા ખચકાટ અનુભવ કરતા હતા અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની બાબત માત્ર અમીર લોકોની સ્થિતિ હતી. મોદીએ કહ્યું હતું કે, આ જાઈને પીડા થતી હતી. આ પ્રકારની જટિલ સ્થિતિને દૂર કરવા માટે સરકારે આરોગ્યના ક્ષેત્રમાં એક પછી એક અનેક મોટા નિર્ણય લીધા હતા. મોદીએ અમદાવાદને આધુનિક હોસ્પિટલની ભેંટ આપ્યા બાદ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત સાથે જાડાયેલી આ હોસ્પિટલ હોવાથી ગરીબ લોકો પણ અહીં મફતમાં સારવાર કરાવી શકશે. મોટી હોસ્પિટલોમાં ગરીબો હવે સારવાર કરાવવા આગળ આવી રહ્યા છે. ઉદ્ઘાટન પ્રસંગે મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ૧૫૦૦ બેડવાળી આ હોસ્પિટલ અમદાવાદની ઓરાગ્ય સુવિધાઓને ઉચ્ચ સ્તર ઉપર લઇ જશે. આ હોસ્પિટલમાં રુમ હોય કે પછી કેમ્પસ હોય તમામ આધુનિક તમામ સુવિધાઓ સજ્જ છે. પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ મોદીએ આભાર માન્યો હતો. હોસ્પિટલને લઇને મોદીએ પુરતી માહિતી આપી હતી. મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારે નવી સરકારી હોસ્પિટલ બનાવવા અને નવા મેડિકલ કોલેજ સ્થાપિત કરવા ઉપર પુરતું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ચાર વર્ષોમાં આરોગ્ય સુવિધાઓની સાથે સાથે નવા મેડિકલ કોલેજ સ્થાપિત કરવા ઉપર ધ્યાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષોના ગાળામાં આરોગ્ય સુવિધાની સાથે સાથે મેડિકલ એજ્યુકેશનનું વિસ્તરણ પણ કરામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન ૧૮૦૦૦થી વધુ એમબીબીએસ અને ૧૩૦૦૦થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ સીટો વધારવામાં આવી છે. મોદીએ કહ્યું હતું કે અહીં ગુજરાતમાં પણ હજારો સીટો ઉમેરવામાં આવી છે.
અમદાવાદની નવી હોસ્પિટલ દેશમાં સરકારી હોસ્પિટલ માટે મોડલ તરીકે પુરવાર થશે. આયુષ્યમાન ભારત જેવી યોજનાના કારણે નાના નાના વિસ્તારોમાં પણ જરૂરિયાતો વધી રહી છે. નવી હોસ્પિટલો ઝડપથી વધી રહી છે. આની સાથે સાથે યુવાનો માટે રોજગારીની તકો પણ વધી રહી છે. મોદીએ આ પ્રસંગે અનામતને લઇને પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, અનામતને નવા આગામી શૈક્ષણિક સત્રથી લાગૂ કરવામાં આવશે. નવી હોસ્પિટલના ઉદ્ઘાટન વેળા તેમણે કહ્યું હતું કે, વર્તમાન સામાજિક અનામતના માળખાને નુકસાન પહોંચાડ્યા વગર નવી વ્યવસ્થા કરવામાં આવી છે. અનામતને આ શૈક્ષણિક વર્ષથી ૯૦૦ યુનિવર્સિટીની ૪૦૦૦૦ કોલેજામાં અમલી કરાશે.