વિજાણુ માધ્યમમાં એડ માટે મંજુરી લેવી પડશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :  નામદાર સુપ્રિમ કોર્ટે બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ આપેલી સૂચના મુજબ રાજકીય પક્ષો, ચૂંટણીના ઉમેદવારો સંગઠનો કે વ્યક્તિ દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો ટીવી કેબલ નેટવર્ક, રેડીયો અને સોશિયલ મીડિયા જેવા વિજાણું માધ્યમોમાં પ્રસારિત કરતાં પહેલાં, આ હેતુ માટે રાજ્યકક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રચાયેલ મીડિયા સર્ટીિફકેશન એન્ડ મોનીટરિંગ કમિટિ સમક્ષ રજૂ કરી પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ પ્રસારિત કરવાની રહે છે.

આ કાર્યપદ્ધતિ કાયમી ધોરણે ભારતના બધાજ પ્રાંતોમાં એકસમાન રીતે લાગુ પડે છે તેમ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડા.એસ મુરલી ક્રિષ્ણાની અખબારી યાદીમાં જણાવાયું છે. કેબલ ટેલીવીઝન (રેગ્યુલેશન્સ) અધિનિયમ, ૧૯૯૫ અંતર્ગત એડવર્ટાઇઝમેન્ટ કોડમાં જણાવેલ વિગતો સાથે સુસંગત ન હોય તેવા કોઇપણ પ્રકારની જાહેરાતનું કોઇપણ વ્યક્તિ દ્વારા પ્રસારણ કે પુનઃપ્રસારણ કરી શકાતું નથી, ઉપરાંત કેબલ ટેલીવીઝન નેટવર્ક(રેગ્યુલેશન્સ) નિયમો, ૧૯૯૪ મુજબ રાજકીય કે ધાર્મિક પ્રકારની માન્યતા તરફ દોરી જાય તેવા પ્રકારની કોઇપણ જાહેરાતનું પ્રસારણ કરી શકાતું નથી.

 

Share This Article