વર્તમાન રાજકારણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે દિવસથી રાજનેતાઓ રાજકારણમાં ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે તે દિવસથી નફરત અને ઉશ્કેરણીજનક ભાષણોનો પણ અંત આવી જશે. આ દરમિયાન સુપ્રીમે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના ભાષણોને પણ યાદ કર્યું હતું અને કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારના અને નુક્કડના લોકો આ બન્ને પૂર્વ વડાપ્રધાનના ભાષણોને સાંભળવા માટે એકઠા થતા હતા.
સુપ્રીમ કોર્ટમાં નફરતી કે ઉશ્કેરણીજનક ભાષણોને અટકાવવા માટે એક અરજી થઇ છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેએમ જોસેફ અને બીવી નાગરત્નાની બેંચે આ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે જે દિવસથી ધર્મને રાજકારણ સાથે ભેળવવાનું બંધ કરી દેવામાં આવશે ત્યારે આ નફરત કે ઉશ્કેરણીજનક ભાષણોનો પણ અંત આવી જશે. મોટી સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે રાજનેતાઓ ધર્મને રાજકારણ સાથે ભેળવી દે છે. જ્યારે રાજનેતાઓ ધર્મનો ઉપયોગ બંધ કરી દેશે ત્યારે આ સમસ્યાનો પણ અંત આવી જશે. ન્યાયાધીશ જોસેફે કહ્યું હતું કે અમે તાજેતરના અમારા ચુકાદામાં પણ કહ્યું છે કે ધર્મને રાજકારણ સાથે ભેળવવું લોકશાહી માટે અત્યંત ઘાતક છે. ચિંતા વ્યક્ત કરતા ન્યાયાધીશ જોસેફે કહ્યું હતું કે કેટલાક લોકોની સામે પગલા લેવા જઇશું, તેના કરતા જનતા સામે ચાલીને જ એવી પ્રતિજ્ઞા કેમ ના લઇ શકે કે કોઇ દિવસ અન્ય ધર્મ કે જાતિના લોકોનું અપમાન નહીં કરીએ. દરરોજ ફ્રિન્જ તત્વો ટીવી પર અને ભાષણમાં લોકોને ભડકાવતા ભાષણ આપે છે. સુપ્રીમ કોર્ટમાં કોર્ટની અવમાનનાની પિટિશન થઇ હતી, જેમાં દાવો કરાયો હતો કે મહારાષ્ટ્ર સહિતના રાજ્યો નફરત ફેલાવનારાઓની સામે ફરિયાદ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. જ્યારે દલિલોનો જવાબ આપતા સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે કેરળમાં પણ એક વ્યક્તિએ ચોક્કસ કોમ્યૂનિટીના લોકોને લઇને ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો હતો, અરજદારે માત્ર કેટલાક રાજ્યો કે લોકોને જ ટાર્ગેટ કર્યા છે. માટે દરેક રાજ્યો કે જ્યાં આ પ્રકારના ભાષણ કે નિવેદન આપવામાં આવ્યા હોય તેને પણ પક્ષકાર બનાવવા જોઇએ. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે અમારે આજે ઉશ્કેરણીજનક ભાષણો સામે પગલા ન લેવાયા હોવાથી અવમાનનાની અરજીની સુનાવણી એટલા માટે કરવી પડી રહી છે કેમ કે ખરેખર કેટલાક રાજ્યો શક્તિવિહોણા થઇ ગયા છે અને સમયસર પગલા નથી લઇ રહ્યા. જ્યારે તુષાર મહેતાએ કેરળ સરકાર પર પગલા ન લેવાના આરોપો લગાવવાનું શરૂ કર્યું તો જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહેરબાની કરીને આપણે આ પ્રકારના નાટકો ના કરીએ.
આ કાયદાકીય કાર્યવાહી છે. જ્યારે બેંચમાં સામેલ ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે આપણે એ જોવાની જરૂર છે કે એક દેશ તરીકે આપણે ક્યાં જઇ રહ્યા છીએ. એક સમયે જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયી જેવા વક્તા હતા કે જેમને સાંભળવા માટે ગામડા, નુક્કડમાં લોકો એકઠા થઇ જતા હતા. હવે દરેક બાજુના લોકો બેફામ નિવેદનો કે ભાષણ આપે છે અને તેથી જ આપણે આ ભાષણો બદલ અવમાનનાની અરજીની સુનાવણી કરવી પડી રહી છે. એ પણ યાદ રહે કે બંધારહણ મુજબ ભારત એક બિનસાંપ્રદાયીક દેશ છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ ૨૮મી એપ્રીલે સુનાવણી કરશે સાથે જ મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ પણ માગ્યો છે.