નેશનલ કોન્ફરન્સના નિર્ણયથી રાજકીય ચર્ચા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૫ એ ઉપર ફરી એકવાર જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. નેશનલ કોન્ફરન્સે આ મુદ્દા પર હવે આગામી પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી દીધી છે. પંચાયત ચૂંટણીનો બહિષ્કારની વાત કરવામાં આવ્યા બાદ રાજકીય પક્ષોમાં આને લઈને જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. પાર્ટી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર કલમ ૩૫ એને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરશે નહીં ત્યાં સુધી તેમની પાર્ટી પંચાયત ચૂંટણીમાં ભાગ લેશે નહીં. કલમ પ્રદેશની વિધાનસભાને રાજ્યમાં સ્થાયી નિવાસીની પરીભાષા અને તેના વિશેષ અધિકાર નક્કી કરવા માટે તાકાત આપે છે.

ફારૂક અબ્દુલ્લાએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ ત્યાં સુધી પંચાયત ચૂંટણીમાં ભાગ લેશે નહીં ત્યાં સુધી ભારત સરકાર અને રાજ્ય સરકાર ૩૫ એના સંદર્ભમાં પોતાનું વલણ સ્પષ્ટ કરશે નહીં. કલમ ૩૫-એને કોર્ટમાં સુરક્ષિત રાખવા માટે પગલાં લેવામાં આવી રહ્યા નથી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા સપ્તાહમાં શહેરી એકમ અને પંચાયત ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. શહેરી એકમો માટે ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજનાર છે. પંચાયતની ચૂંટણી આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનાર છે.

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે કલમ ૩૫-એ પર સુપ્રિમમાં કેન્દ્રનું વલણ રાજ્યના લોકોની ભાવનાઓની વિરૂદ્ધ છે. એક દિવસ પહેલા જ મંગળવારના દિવસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિતે દોભાલે નિવેદન કર્યા બાદ ભારે હોબાળો થયો હતો. દોભાલે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર માટે અલગ બંધારણ હોવાની બાબત એક બંધારણીય ખામી તરીકે રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અખંડતા સાથે ક્યારે પણ બાંધછોડ કરી શકાય નહીં. સુપ્રિમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં અમલી કલમ ૩૫-એને પડકાર ફેંકનાર અરજી પર સુનાવણીને આગામી વર્ષે જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.

Share This Article