કર્ણાટકમાં આવનારી ૧૨મીએ મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે મતદાન પહેલા જ રાજરાજેશ્વરી મત વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી ૧૦ હજાર બનાવટી મતદાતા ઓળખપત્ર મળી આવ્યા છે. જેને પગલે કોંગ્રેસ અને ભાજપ બન્ને હવે એકબીજા પર આરોપો લગાવવાના શરૂ કરી દીધા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જે ફ્લેટમાંથી આ બનાવટી ઓળખપત્રો મળી આવ્યા છે કે તે ફ્લેટ ભાજપના જ બે ઉમેદવારોના નામે છે અને આ સમગ્ર કૌભાંડ માટે ભાજપ જ જવાબદાર છે.
બીજી તરફ ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ દ્વારા જ આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે. ભાજપને આમા કંઇ જ લેવાદેવા નથી. કર્ણાટકમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ વાતાવરણ ગરમ થઇ રહ્યું છે અને કોઇને કોઇ ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ઝડપાતી જાય છે. ચૂંટણી પંચે પણ આ બનાવટી મતદાન ઓળખ કાર્ડની સાથે અન્ય કેટલીક શંકાસ્પદ સામગ્રીને જપ્ત કરી લીધી છે, હાલ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.