ગાંધીનગર ખાતે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસીને ખુલ્લી મુકતાં મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, પાવરગ્રીડની જેમ વોટરગ્રીડ તૈયાર કરનારા ગુજરાત રાજ્યની આ પોલીસી દ્વારા ગંદા પાણીના શુદ્ધિકરણનું ‘‘વોટર રીટ્રીટ મેનેજમેન્ટ’’ સમગ્ર દેશને રાહ ચીંધશે. પાણીની સમસ્યાના નક્કર ઉકેલ માટે પુરુષાર્થનીક પરાકાષ્ઠાએ પણ કાર્ય કરવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.
મુખ્યમંત્રીએ ગટરના શુદ્ધ કરેલા પાણીના પુનઃ ઉપયોગ અંગેની નીતિ વિશે વધુમાં જણાવ્યું હતું કે, હવે આપણે પાણીના અન્ય ઉપયોગ માટે ભુગર્ભજળ ઉપરના ભારણને ઘટાડવું પડશે, સરફેસ વોટરના ઉપયોગને ઘટાડવું પડશે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પીવાના પાણીની ભાવિ જરૂરિયાતને ધ્યાને રાખી હવે આપણે રીસોર્સ, રીટ્રીટ, રીડ્યુસ અને રીયુઝની નીતિ અપનાવવી પડશે. પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા નવા નવા રીસોર્સ-સ્ત્રોતનું નિર્માણ કરવું પડશે. ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા-રીટ્રીટ કરવા નક્કર આયોજન કરવું પડશે. પાણીનો બીનજરૂરી ઉપયોગ ‘‘રીડ્યુસ’’ અટકાવવો પડશે અને પાણીના પુનઃવપરાશ રી યુઝને અપનાવવું પડશે.
રાજ્યભરની દરેક નગરપાલિકા-મહાનગરપાલિકા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરીને રીટ્રીટ વોટરનો મહત્વનો સ્ત્રોત તૈયાર કરે એવો અનુરોધ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૪૪-૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે પણ ગુજરાતની જનતાએ સુજલામ્ સુફલામ્ જળસંગ્રહ મહાઅભિયાન દ્વારા જળસંચય ક્ષેત્રે સમગ્ર દેશને રાહ ચીંધ્યો છે ત્યારે પુનઃ ઉપયોગ માટે ગંદા પાણીના શુદ્ધિકરણ માટેની આ પોલીસી દ્વારા ગુજરાત ફરી એક વખત રીટ્રીટ વોટરના ઉપયોગ ક્ષેત્રે દેશને રાહ ચીંધવા તૈયાર થયું છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગટરના શુદ્ધ કરાયેલા પાણીના પુન:ઉપયોગ અંગેની રાજ્ય સરકારની નવતર નીતિને આવકારીને ઉમેર્યું કે, આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને ચોક્કસ રાહ ચીંધશે. રાજ્ય સરકારના આ નવતર અભિગમને પરિણાામે ભૂગર્ભ અને સરફેસ વોટરનો વપરાશ ઘટશે અને રીટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને સસ્તાદરે મળે તો ઉદ્યોગકાર-નાગરિકોના નાણાની બચત થશે.
પટેલે ઉમેર્યું કે, રાજ્યની સાડા છ કરોડથી વધુ વસતીને નર્મદા તથા અન્ય સિંચાઇ યોજનાઓ અને અન્ય સ્ત્રોત દ્વારા પાણી પુરૂં પાડવામાં આવે છે. દરરોજનો ૬૦૦ થી ૭૦૦ કરોડ લિટરનો પાણીનો વપરાશ છે ત્યારે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તે જરૂરી છે. સાથે સાથે આ પોલીસીના માધ્યમ દ્વારા ટ્રીટમેન્ટ કરાયેલું પણી પણ ઉદ્યોગગૃહોને પુરૂ પડાશે. જેનાથી ભૂગર્ભ જળનો વપરાશ ઓછો થશે. તેમણે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની અપ્રતિમ સફળતાને બિરદાવીને નાગરિકો દ્વારા અપાયેલ સહયોગ માટે અભિનંદન આપ્યા હતા.