ભાવનગર : બાપુ, અમારી જેવું તમારાથી નો થાય’ લખી રીલ્સ મૂકી ભાવનગરમાં ચાલુ કારે એક યુવકે કરેલા કારસ્તાન ચર્ચાનો વિષય બન્યા છે આ યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કશ ફૂંક્યા હતા, સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી ‘અમારી જેવું તમારાથી નો થાય’ લખનાર યુવકે જોખમી રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. ચાલુ ગાડીએ સ્ટીયરિંગ છોડીને દરવાજા પર બેસી ગયો હતો. ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરતા ઇસમને પકડી કાયદાનું ભાન કરાવતી ભાવનગર એસઓજી પોલીસે ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે એસ.ઓ.જી. પોલીસ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરી પોસ્ટ મૂકનાર ઈસમ વિપુલ નટુભાઈ મકવાણા, રહે સુભાષનગરવાળાને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. વિપુલે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોતાની ફોર-વ્હીલ ઉપર, ચાલુ ગાડીએ બારણું ખોલી ગાડીના બારણા ઉપર બેસી સિગારેટનો દમ મારતો સ્ટંટબાજી કરતી રીલ્સ અપલોડ કરી હતી. રીલ્સ પર “અમારી જેવું તમારાથી નો થાય” તથા “બાપુ” ટેગ મારી રીલ્સ અપલોડ કરી હતી, આથી એસઓજી પોલીસે વિપુલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.